ગાંધીનગર, 26 સપ્ટેમ્બર,2026 : Turmeric yield doubled through natural farming ભારતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિને વધુ મજબૂત વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવાના હેતુથી હાથ ધરાયેલા બાયોટેકનોલોજી આધારિત સંશોધન કાર્યક્રમમાં ગુજરાતમાં હળદરની પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય (SDAU) દ્વારા સંયુક્ત રીતે હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનાં ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યાં હતા. આ પ્રયોગોમાં જાણવા મળ્યું કે, રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હળદરની ખેતી કરવાથી ઉત્પાદન બમણાથી પણ વધુ થાય છે. આ પ્રયોગ વિશે એ શોધ-નિંબધ પણ તાજેતરમાં એક પ્રસિદ્ધ જર્નલમાં પ્રકાશિત થયો છે.
વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “BMC Plant Biology જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં, પરંપરાગત રાસાયણિક ખેતીની તુલના પ્રાકૃતિક ખેતીની નવ અલગ-અલગ ટ્રીટમેન્ટ કોમ્બિનેશન સાથે કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ હેઠળ હેક્ટરદીઠ 40 ટનથી વધુ હળદરની ઉપજ થઇ, જ્યારે પરંપરાગત ખેતીમાં હેક્ટરદીઠ 19.3 ટન ઉપજ મળી. અભ્યાસનાં આ તારણો ખેડૂતો-કૃષિ વૈજ્ઞાનકો માટે પ્રાકૃતિક ખેતી તરફ વૈજ્ઞાનિક પદ્ધતિથી આગળ વધવાની પ્રેરણા આપશે.’’
હળદર ‘ગોલ્ડન સ્પાઇસ’ તરીકે ઓળખાય છે અને ભારતમાં ખાદ્ય, ફાર્માસ્યુટિકલ તથા પરંપરાગત ઔષધ ક્ષેત્રમાં તેનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેમાં રહેલું સક્રિય ઘટક કરક્યુમિન સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની વધતી માંગનું પણ મહત્વનું કારણ છે.
અભ્યાસ મુજબ, હળદરની પ્રાકૃતિક ખેતી માટેનાં ઇનપુટ્સ ખરીદવા પડ્યા હોવા છતાં પ્રાકૃતિક ખેતી હેઠળ હેક્ટરદીઠ રૂ. 10.5 લાખથી વધુનું ચોખ્ખું વળતર નોંધાયું હતું, જ્યારે પરંપરાગત ખેતીમાં હેક્ટરદીઠ આશરે રૂ. 3.61 લાખનું વળતર મળ્યું હતું. આ તફાવત ઊંચી ઉપજ તથા મોંઘા કૃત્રિમ કૃષિ ઇનપુટ્સ પરની ઓછી નિર્ભરતાના સંયુક્ત પરિણામને દર્શાવે છે.


