ભાવનગર, 26 સપ્ટેમ્બર,2026 : CM inaugurates development works worth Rs 738 crore વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગર શહેર-જિલ્લાને રૂ.૭૩૮.૦૯ કરોડના ૭૯ વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિને નવી દિશા આપી છે. જનસેવાને કેન્દ્રમાં રાખીને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચે અને સામાન્ય નાગરિકનું જીવન વધુ સુવિધાયુક્ત બને તે દિશામાં સરકાર સતત કાર્યરત છે.
મુખ્યમંત્રીએ ભાવનગરની સ્વચ્છતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકાર કે સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી જ સ્વચ્છ શહેરનું નિર્માણ થઈ શકે છે. ભાવનગરના નાગરિકોએ સ્વચ્છતાને પોતાના સ્વભાવ અને સંસ્કારનો હિસ્સો બનાવ્યો છે તે આનંદની બાબત છે.
વિકાસની સાથે ભાવિ પેઢી માટે પાણી અને પર્યાવરણનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ ‘કેચ ધ રેઇન’ જેવી પહેલોને જનભાગીદારીથી આગળ ધપાવવાની હાકલ કરી હતી. વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભજળના રિચાર્જ માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આગળ ધપાવતા જણાવ્યું કે આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણનું જતન કરીને જ વિકાસને ટકાઉ બનાવી શકાય. ‘એક પેડ મા કે નામ’ જેવી પહેલો સાથે જોડાઈ પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારી વધારવા તેમણે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ ભાવનગરના વિકાસમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થઈ રહેલા વિવિધ આયોજનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિકાસ માત્ર આજની જરૂરિયાતો પૂરતો સીમિત ન રહે પરંતુ આવતીકાલની પેઢીને પણ વધુ સુવિધાસભર અને સમૃદ્ધ ભાવનગર મળે તે દિશામાં સરકાર કાર્યરત છે.
આ અવસરે મુખ્યમંત્રીએ સેવા સંકલ્પ અભિયાનને જનભાગીદારીનું અભિયાન બનાવી વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકસિત ગુજરાત અને વિકસિત ભાવનગરના નિર્માણમાં સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાગરિક દેવો ભવઃ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે જનસેવાને વધુ સુલભ બનાવવામાં આવી રહી છે. નવી કલેક્ટર કચેરી આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને ઝડપી સેવાઓ પૂરી પાડશે.
તેમણે જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ભાવનગર માટે ગેમ ચેન્જર બની રહ્યો છે. ભાવનગરમાં શરૂ થયેલું SIPPA કેન્દ્ર યુવાનોને GPSC-UPSCની તૈયારી માટે નવી તકો આપશે, જ્યારે નારી ખાતે STPI માટે જમીન ફાળવણીથી IT ક્ષેત્રે રોજગારીની તકો વધશે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જિલ્લામાં ૧૦ હજારથી વધુ લોકોનું એસેસમેન્ટ અને ૧૪ જેટલા કેમ્પો યોજાયા છે. વૃદ્ધજનો અને દિવ્યાંગોને સહાયક સાધનો નિઃશુલ્ક આપવામાં આવી રહ્યાં છે. ભાવનગરના વિકાસને વેગ આપવા બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાવનગરના સર્વાંગી વિકાસને સતત વેગ મળી રહ્યો છે. આજે રૂ.૭૩૮ કરોડના ૭૯ વિકાસકાર્યો જનતાને અર્પણ થઈ રહ્યા છે. આજે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ પણ થયું છે.


