1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

0
Social Share
  • એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (રૂરલ) જાહેર કરાયો
  • ધોરણ-8ના વિદ્યાર્થીઓ ગણિતમાં સૌથી નબળા, ભાગાકાર કરી શકતા નથી
  • 82 ટકા કિશોરો સ્માર્ટફોન વપરાશકર્તા

અમદાવાદઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં 6 થી 14 વર્ષના બાળકોનો પ્રવેશ-એનરોલમેન્ટ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. જ્યારે 16.5 ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની, 22.5 ટકા સ્કૂલોમાં ટોઈલેટ અને 20 ટકા સ્કૂલોમાં મેદાન નથી. એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશનના જાહેર કરાયેલા  રિપોર્ટ-2024 (રૂરલ)માં જણાવવામાં આવ્યુ છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યમાં સ્કૂલોના 14 થી 16 વર્ષના વિદ્યાર્થીઓના 96 ટકા પરિવાર પાસે સ્માર્ટ ફોન છે અને જેમાંથી 82.3 ટકા વિદ્યાર્થીઓ ફોન વાપરે છે. જ્યારે 57 ટકાથી વધુ વિદ્યાર્થી પોતાની જાતે મોબાઈલનો પાસવર્ડ બદલી શકે છે. 14 થી 16 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓમાં 18.6 ટકા વિદ્યાર્થી પોતાનો સ્માર્ટફોન ધરાવે છે.

એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (રૂરલ)માં ટાંકવામાં આવ્યા મુજબ  ગુજરાતની સરકારી સ્કૂલોમાં આઠમા ધોરણમાં ભણતા 28.3 ટકા વિદ્યાર્થીઓ જ એવા છે જેમને ભાગાકારના દાખલા આવડે છે. ધો-8માં ભાગાકાર સૌથી નબળા હોય એવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 14-16 વયજૂથના 96 ટકા બાળકોના ઘરે સ્માર્ટફોન છે, જેમાં 82 ટકા વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરતાં આવડે છે જ્યારે ભણતરમાં તેનો ઉપયોગ માત્ર 61 ટકા કરે છે. દેશમાં 82.2 ટકા કિશોરો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે જે પૈકી 57 ટકા તેનો ઉપયોગ શિક્ષણ માટે કરે છે. વિશેષમાં, 2018થી 2024ના સાત વર્ષના ગાળામાં રાજ્યમાં સરકારી પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં પાંચ વર્ષના બાળકોના એડમિશનમાં 21.5 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે કોરોના કાળ દરમિયાન સરકારી સ્કૂલોમાં વધેલા એડમિશનનું પ્રમાણ 2024માં ફરી 2018ની સ્થિતિ મુજબ થઈ ગયું છે. ગુજરાતમાં પણ 2018માં સરકારી સ્કૂલમાં એડમિશનનું પ્રમાણ 85.6 ટકા હતું જે 2022માં વધીને 90.9 ટકા થઈ ગયું હતું, તેનું પ્રમાણ 2024માં 86.5 ટકા થઈ ગયું છે.

વર્ષ 2024 માટેનો એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2022ના બે વર્ષ બાદ આ રિપોર્ટ જાહેર થયો છે. જેમાં દરેક રાજ્યોની સરકારી-ગ્રામ્ય સ્કૂલોની સ્થિતિ-પ્રવેશ, વિદ્યાર્થીની વાંચન-લેખન ક્ષમતા સહિતના સરવેના તારણો રજૂ કરાયા છે. ગુજરાતમાં 648 સરકારી સ્કૂલોમાં સરવે કરાયો હતો અને 3 થી લઈને 16 વર્ષના કુલ 26,746 બાળકોનો સરવે થયો હતો. આ સિવાય 20 હજારથી વધુ બાળકોની વાંચન, લેખન અને ગણન ક્ષમતા તપાસવામા આવી હતી.

ગુજરાતમાં ત્રીજા ધોરણમાં ભણતા 16.5 ટકા જ બાળકો ગણિત વિષયમાં બાદબાકી કરી શક્યા હતા. જ્યારે ત્રીજા ધોરણમાં ભણતા 24.7 ટકા બાળકો ધો-2ના પાઠ્યપુસ્તક વાંચી શકે છે, જ્યારે 16.5 ટકા બાદબાકી કરી શકે છે. ધોરણ-5માં ભણતા 44.6 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ચોપડી વાંચી શક્યા હતા, જ્યારે માત્ર 13.1 ટકા જ ભાગકારના દાખલા ગણી શક્યા હતા.

આ રિપોર્ટના તારણો મુજબ, ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં 2022માં 90.9 ટકા એનરોલમેન્ટ રેશિયો હતો. જે 2024માં ઘટીને 86.5 ટકા થયો છે. જ્યારે 78.7 ટકા સ્કૂલોમાં વિદ્યાર્થી-શિક્ષક રેશિયો જળવાતો જોવા મળ્યો છે અને 84.2 ટકા સ્કૂલોમાં કલાસ-ટીચર રેશિયો જળવાય છે, તેમજ 79.9 ટકા સ્કૂલોમાં મેદાન છે અને 92.4 ટકા સ્કૂલોમાં બાઉન્ડ્રી વૉલ છે. આ 83.5 ટકા સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા છે. જ્યારે 8.7 ટકા સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા જ નથી. આ સિવાય 7.8 ટકા સ્કૂલોમાં નળ-ટાંકી સહિતની સુવિધા છે પરંતુ પીવાનું પાણી નથી.

આ ઉપરાંત ગ્રામ્યની 77.4 ટકા સ્કૂલોમાં ટોઈલેટની સુવિધા છે અને ગર્લ્સ માટે 75.6 ટકા સ્કૂલોમાં ટોઈલેટ સુવિધા છે. સરવેના દિવસે 86.4 ટકા સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હાજર દેખાયા અને 95.9 ટકા સ્કૂલોમાં શિક્ષકો હાજર જણાયા હતા. ડિજિટલ લીટરસીના સરવે મુજબ 74.6 ટકા સરકારી સ્કૂલોમાં કોમ્પ્યુટર છે અને સરવેના દિવસે 40 ટકા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વાપરતા હતા જ્યારે 98 ટકાથી વધુ સ્કૂલોમાં મીડ-ડે મીલ સુવિધા જણાઈ હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code