નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન અજીત પવારની એનસીપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યાં છે. તેમજ 11 ઉમેદવારોને ટીકીટ ફાળવી છે. એનસીપી (અજીત પવાર)એ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, દિલ્હીમાં એનસીપી(અજીત પવાર) અને ભાજપા વચ્ચે હજુ સુધી કોઈ ગઠબંધન થયું નથી.
એનસીપીએ સંસદીય બોર્ડની મંજુરી બાદ પ્રથમ તબક્કામાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. એનસીપીએ બુરાડી, બાદલી, મંગોળપુરી, ચાંદની ચોક, બલ્લી મારન, છતરપુર, સંગમ વિહાર, ઓખલા, લક્ષ્મીનગર, સીમા પુરી અને ગોકુલ પુરીથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.
બુરાડીથી રતન ત્યાગી, બાદલીથી મુલાયમ સિંહ, મંગલોપુરીથી ખેમ ચંદ, ચાંદની ચોકથી ખાલિદુરરહેમાન, બલ્લીમારાનથી મોહમ્મદ હારૂન, છતરપુરથી નરેન્દ્ર તંવર, સંગમ વિહારથી કમર અહેમદ, ઓખલાથી ઈમરાન સૈફી, લક્ષ્મીનગરથી નમાહા, સીમાપુરીથી રાજેશ લોહિયા અને ગોકુલ પુરીથી જગદીશ ભગતની પસંદગી કરવામાં આવી છે.
તાજેતરમાં પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, દિલ્હી ચૂંટણીમાં પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે. તેમજ ગઠબંધન મામલે એનડીએ સાથે ચર્ચા કરવામાં આવશે. પરંતુ એનસીપીએ જે રીતે ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે તે અનુસાર એનસીપી અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડે તેવી શકયતાઓ નહીવત છે.