1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નકલી નોટ્સ કૌભાંડઃ યોગ ગુરૂ પ્રદીપ ચીન જઈને કરન્સી પેપર સપ્લાયરને મળ્યો હતો
નકલી નોટ્સ કૌભાંડઃ યોગ ગુરૂ પ્રદીપ ચીન જઈને કરન્સી પેપર સપ્લાયરને મળ્યો હતો

નકલી નોટ્સ કૌભાંડઃ યોગ ગુરૂ પ્રદીપ ચીન જઈને કરન્સી પેપર સપ્લાયરને મળ્યો હતો

0
Social Share

અમદાવાદ, 22 માર્ચ 2026: Fake notes scam શહેર ક્રાઈમ બ્રાન્ચે બે કરોડની નકલી ચલણી નોટો સાથે 6 આરોપીને દબોચી લીધા બાદ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર યોગગુરૂ પ્રદીપ જોટગિયાની પણ ધરપકડ કરી છે. તમામ આરોપીને રિમાન્ડ પર લેતા ચોંકાવનારી માહિતી મળી છે. જેમાં યોગગુરુ પ્રદીપ જોટગિયા ગત જાન્યૂઆરીમાં ચીનની મુલાકાતે ગયો હોવાનું તથા ત્યાં 5 દિવસ રોકાઈ કરન્સી પેપર સપ્લાય કરતા એજન્ટો સાથે મળ્યો હોવાનું ખુલ્યું છે.

ગુજરાતમાં હાલમાં ચર્ચાસ્પદ બનેલા નકલી ચલણી નોટ કૌભાંડમાં હાલની તપાસમાં મસમોટા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. નકલી નોટ્સ કૌભાંડમાં આરોપી તરીકે પ્રખ્યાત યોગગુરુ પ્રદીપ જોટગિયાનું નામ ખુલતા આ મામલો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે પોલીસે પ્રદીપ ગુરુજી સહિત કુલ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરતા યોગગુરુ પ્રદીપ જોટગિયા તાજેતરમાં જ ચીન ગયો હોવાનું અને ત્યાં ફેક કરન્સી બનાવવા માટે પેપર સપ્લાય કરનાર એજન્ટો સાથે રોકાયો હોવાનો ખુલાસો થયો છે.

આ કેસની વિગતો એવી છે કે,  ગત 19મી માર્ચે ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી એક કારની તપાસ કરતા બે કરોડની નકલી બનાવટી ચલણી નોટો પકડાઈ હતી, જે મામલે પોલીસે એક મહિલા સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. આ નકલી નોટોના કેસમાં ગુજરાતના નામચીન  સત્યમ યોગ ધામના સંચાલક પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આ આખો મામલો હાઈ-પ્રોફાઈલ કેસ બનતાં હાલ સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન પોલીસે યોગગુરુ પ્રદીપ જોટગિયા સહિત 7 આરોપીઓના 30 માર્ચ સુધીના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસને આરોપીઓના રિમાન્ડ દરમિયાન એવી વિગતો ણલી છે કે, યોગગુરૂ પ્રદીપ ગુરુજી ગત જાન્યુઆરી મહિનામાં જ ચીન ગયો હતો. તેણે ચીનના ગ્વાંગઝોઉ અને કિંગદાઓ જેવા વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં પાંચ દિવસ ચીનના કરન્સી પેપર સપ્લાય કરનાર એજન્ટો સાથે રોકાયો હતો. આ જ બંને વિસ્તારમાંથી કરન્સી સિક્યુરિટી પેપર સપ્લાય થયા બાદ નકલી નોટ કૌભાંડ શરૂ થયું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પ્રદીપ ગુરુજીએ ચીન મુલાકાત લીધા બાદ ત્યાંથી સ્ટેશનરી પેપરની આડમાં કરન્સી પેપર આવતા હતા. આ કરન્સી સિક્યુરિટી પેપરનું એક બોક્સ અંદાજિત દોઢ લાખ રૂપિયામાં મંગાવ્યું હોવાનો ખુલાસો થયો છે અને અગાઉ ત્રણ વખત આવા પાર્સલ આવી ચૂક્યા હોવાનો ઘટસ્ફોટ હાલની તપાસમાં થયો છે.  જપ્ત કરાયેલી નકલી નોટોની તપાસ કરતા, તે નકલી નોટમાં 10થી વધુ સિક્યુરિટી ફીચર્સ હોવાનું સામે આવ્યું છે. જેનું પેપર ચીનથી આવતું હતું અને ભૂતકાળમાં ત્રણ વાર આવા પેપરના પાર્સલ આવી ચૂક્યા છે. જોકે આનાથી વધુ વાર પણ પાર્સલ આવ્યા છે કે કેમ તે અંગે ક્રાઈમ બ્રાન્ચે કસ્ટમ વિભાગ સાથે મળી આવા પાર્સલોની માહિતી મંગાવી છે, ત્યારે આગામી સમયમાં આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code