ગાંધીનગર, 16 જુન, 2026 : Lost 25 lakhs in the lure of high returns in the stock market શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને ઠગાઈ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં શેર બજારના નામે છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શેર બજારમાં ઊંચા વળતરની લાલચમાં એક નિવૃત્ત સરકારી અધિકારીના પરિવારે 25 લાખ ગુમાવ્યા છે. સચિવાલયના નિવૃત્ત સેક્શન ઓફિસરની જીવનભરની મૂડી સેરવી લીધા બાદ નિવૃત અધિકારીનું અવસાન થવા છતાં આરોપીએ માનવતા નેવે મૂકી પૈસા પરત કર્યા નહોતા. આખરે આ મામલે એલસીબીની તપાસના અંતે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના સેક્ટર-4/બી માં રહેતા 51 વર્ષીય છાયાબેન ખરાડીના પતિ ભીખાભાઈ કોયભાઈ ખરાડી ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2012-2013 દરમિયાન કુડાસણ સ્વાગત રેઇન ફોરેસ્ટ -2 ખાતેની હર્બલ લાઇફ પ્રોડક્ટની ફ્રેન્ચાઈઝી મારફતે આ પરિવારનો સંપર્ક વડોદરાના પાદરાના વતની કૃણાલ નરેન્દ્રભાઈ પટેલ સાથે થયો હતો. કુણાલ પટેલે પોતે શેર માર્કેટનો મોટો બ્રોકર હોવાની ઓળખ આપી ભીખાભાઈને વિશ્વાસમાં લીધા હતા અને શેર બજારમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. સચિવાલયમાંથી નિવૃત્ત થતાં તેમને ફંડ અને ગ્રેચ્યુઈટી પેટે મોટી રકમ મળી હતી. ભીખાભાઈ નિવૃત્ત થયા હોવાની જાણ થતાં જ કૃણાલ પટેલે અવારનવાર તેમના ઘરે આંટાફેરા શરૂ કર્યા હતા અને નાણાં રોકવા માટે દબાણ કર્યું હતું. કૃણાલનીવાતોમાં આવી જઈને નિવૃત્ત અધિકારી અને તેમના પત્નીએ વર્ષ 2017 દરમિયાન જુદી જુદી બેંકોના ચેકો મારફતે કુલ 25 લાખની રકમ કૃણાલને સોંપી દીધી હતી. આ વ્યવહાર પાકો કરવા માટે વડોદરા કોર્ટમાં નોટરી સમક્ષ એક કબૂલાતનામું પણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ 25 લાખ લીધા હોવાની સત્તાવાર સ્વીકૃતિ આપી હતી. કરારની શરતો મુજબ આરોપીએ વળતર અને સુરક્ષા પેટે જુદી જુદી બેંકોના કુલ 15 ચેકો આપ્યા હતા. આ દરમિયાન એપ્રિલ 2021માં કોરોનાની ભયાનક મહામારીમાં ભીખાભાઈનું અવસાન થયું હતું. અને પરિવારના મુખ્ય કમાનાર સભ્ય ગુમાવ્યા બાદ છાયાબેન અને તેમનો પરિવાર ભારે આર્થિક સંકટમાં આવી પડ્યો હતો. નાણાંની સખત જરૂરિયાત ઊભી થતાં વિધવા મહિલાએ કૃણાલ પટેલ પાસે પોતાના હકના પૈસા પાછા માંગ્યા હતા. જેથી આરોપીએ શરૂઆતમાં માત્ર 1 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાકીના 24 લાખ ચૂકવવામાં તે બહાનાબાજી કરવા લાગ્યો હતો. અને છાયાબેન ફોન કરતાં ત્યારે તે અવનવા વાયદા કરતો હતો અને આખરે તેણે પોતાનો મોબાઈલ ફોન જ સ્વીચ ઓફ કરી દીધો હતો. પરિવારે વડોદરા સ્થિત તેના ઘરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે આરોપી ત્યાંથી પણ પોતાનો સામાન સંકેલીને ગાયબ થઈ ચૂક્યો છે.
આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ છાયાબેને ન્યાય માટે ગાંધીનગર એસપી કચેરીમાં ન્યાયની ગુહાર લગાવી અરજી કરી હતી. આ મામલાની ગંભીરતા જોઈને એસપી દ્વારા તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબીની પ્રાથમિક તપાસમાં છેતરપિંડીની પુષ્ટિ થયા બાદ આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં આરોપી કુણાલ નરેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.


