રાજકોટ, 3 મે 2026: Four drown in Aaji Dam શહેરના આજી ડેમમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા જતા પિતા-પૂત્ર સહિત ત્રણ લોકો ડૂબી ગયા હતા. જેમાં ફાયરબ્રિગેડે ત્રણ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. જ્યારે ચોથા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા-પુત્રો સહિત ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યકિત હજુ ગુમ હોય ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા ચારેય લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા. આ સમયે રોહિત નામનો યુવાન મોઢુ ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતા અન્ય ત્રણ લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા છે. જ્યારે રોહિત નામનો યુવાન હજુ લાપતા હોય તેની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જિલ્લા ગાર્ડનની બાજુમાં સોરઠીયા પ્લોટ શેરી નંબર 7માં નવા ઘાંચી વાડ વિસ્તારમાં રહેતા ભરત દેવજીભાઈ જાદવ (ઉં.વ.42) અને તેમના બે પુત્ર ધવલ, રોહિત તેમજ ભરતના સાળીના પુત્ર ધ્રુવ મકવાણા 2 મેએ સાંજના 4 વાગ્યા આસપાસ ભરતની રિક્ષામાં આજીડેમ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા ડેમના પાણીથી રિક્ષા ધોવામાં આવી હતી. આ પછી રોહિત જાદવ હાથ મોઢું ધોવા માટે ડેમના કાંઠે ગયો હતો જ્યાં તેનો પગ લપસી જતા તેને બચાવવા તેનો ભાઈ ધવલ ગયો હતો જેનો પણ પગ લપસી જતા તે પણ ડૂબી ગયો હતો જેને બચાવવા તેનો માસિયાઈ ભાઈ ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ કુદયા પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા.
સાંજે 4 વાગ્યા આસપાસ ફાયર કંટ્રોલ રૂમ તરફથી બેડીપરા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ વાહન સાથે સ્થળ પર પહોંચી મૃતદેહની શોધખોળ કરી હતી જેમાં બે કલાકના અંતે 3 મૃતદેહ મળી આવ્યા હતા જયારે રોહિત જાદવ હજી ગુમ હોય તેમની શોધખોળ હજુ પણ ચાલુ છે.


