
- સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોન માટે FRCની રચના થશે,
- બેફામ ફી ઉઘરાવતી કોલેજો પર નિયંત્રણ આવશે,
- ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે નહીં
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા આડેધડ ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ હવે ફી નિર્ધરણ કમિટી (FRC) ખાનગી કોલેજોના હિસાબ-કીતાબ તપાસીને ફીનું ધારા-ધોરણ નક્કી કરશે. જોકે ખાનગી યુનિવર્સિટીઓને FRC લાગુ પડશે નહીં, ખાનગી કોલેજો માટેની ફી નિર્ધારણ કમિટીમાં યુનિવર્સિટીના કુલપતિને ચેરમેન તરીકે રાખવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાત સરકારે અગાઉ ખાનગી શાળાઓ માટે ફી રેગ્યુલેશન કમિટી (FRC)ની રચના કરી ફી નિયમન માટે કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. દરમિયાન યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજો દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠતા સરકારે હવે ખાનગી કોલેજો માટે FRC રચવાની જાહેરાત કરી છે. જો કે, દરેક કોર્સ માટે ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી યુનિવર્સીટીઓ ઉપર સરકાર કોઈ લગામ લગાવી શકતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના નવા સ્ટેચ્યુટ મૂજબ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી વિશ્વ વિદ્યાલયોમાં શાળાઓની માફક FRC એટલે કે, ફી નિયમન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના ટેકનિકલ સિવાયના નોન ટેકનિકલ કોર્સ જેવા કે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સહિતના કોર્સની ફી જે-તે યુનિવર્સિટી કક્ષાએ કુલપતિની અધ્યક્ષતાવાળી કમિટી નક્કી કરશે. સામાન્ય રીતે શાળાઓ માટેની અને રાજ્ય કક્ષાએ ફી રેગ્યુલેશન માટે જે કમિટી રચવામાં આવી તેમાં નિવૃત્ત જજ ચેરમેન હોય છે. જ્યારે યુનિવર્સિટી કક્ષાએ ચાલતા કોર્સ માટે સૂચવવામાં આવેલી FRCમાં જે-તે યુનિવર્સિટીના કુલપતિને ચેરમેન તરીકે રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિવૃત્ત જજ તેમાં સભ્ય હશે. આ ઉપરાંત જે-તે યુનિવર્સિટીના કુલસચિવ સભ્ય અથવા તો ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર તેમાં મેમ્બર સેક્રેટરી હશે. સ્ટેચ્યુટમાં FRCના નવા કાયદાથી ખાનગી કોલેજમાં લેવામાં આવતી ફી પર નિયંત્રણ આવશે. પરંતુ ખાનગી યુનિવર્સિટીમાં લેવાતી બેફામ ફી પર રોક નહીં લાગે.