સુરેન્દ્રનગર, 18 મે 2026: Luxury bus catches fire અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક સાંગાણી ગામ પાસે આજે બપોરના ટાણે રાજકોટથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા બસનાચાલકે સમયસુચકતા દાખવીને બસને રોડ સાઈડમાં ઊભી રાખીને પ્રવાસીઓને તાત્કાલિક ઉતારી દેતા તમામ પ્રવાસીઓનો બચાવ થયો છે. આગમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.
અસહ્ય ગરમીને કારણે વાહનોમાં આકસ્મિક આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક વાહનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. અમદાવાદ – રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક સાંગાણી ગામ પાસે આજે બપોરે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાજકોટથી અમદાવાદ જઈ રહેલી આ બસમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ બનાવની વિગત એવી છે કે, લકઝરી બસ ચોટીલા નજીક સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસ સળગતી જોઈને પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી. બસના ડ્રાઈવર અને ક્લીનરે તાત્કાલિક નિર્ણય લઈ બસને રોકી દીધી હતી અને તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. આ સમયસૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. આગની જાણ થતા જ ચોટીલા પોલીસ કાફલો અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માત્ર ચાર દિવસ પહેલાં જ આ જ હાઈવે પર એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માત બાદ બસમાં લાગેલી આગમાં ચાર લોકોના જીવ ગયા હતા. આ દર્દનાક ઘટનાની યાદો હજુ તાજી છે ત્યારે ફરી બસ સળગવાની ઘટનાથી મુસાફરો અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


