ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2026 : Governor’s advice to work in a mission mode for energy conservation લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજ્યમાં ચાલી રહેલા ઊર્જા બચાવો અભિયાન અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ સરકારી વિભાગો, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલી ઊર્જા બચતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ઊર્જા બચતને ઔપચારિક કામગીરી નહીં, પરંતુ મિશન મોડમાં પરિણામલક્ષી રીતે અમલમાં મૂકવી જરૂરી છે. સાથે સાથે સ્થળ પર નિયમિત ચકાસણી થાય અને વીજ વપરાશમાં વાસ્તવિક ઘટાડો થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
બેઠકમાં રજૂ થયેલા આંકડા અનુસાર વિવિધ સરકારી વિભાગો, મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓના પ્રયાસોથી મે-2025થી 17 સપ્ટેમ્બર, 2026 સુધીમાં 5.50 કરોડ યુનિટ વીજળીની બચત થઈ છે, જેની કિંમત આશરે રૂ. 43.90 કરોડ થાય છે.
રાજ્યપાલએ આ કામગીરીને વધુ વ્યાપક બનાવી આગામી તબક્કામાં રૂ. 100 કરોડની વીજળી બચતનું લક્ષ્ય હાંસલ કરવા આયોજનબદ્ધ અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. નાના-નાના પ્રયાસોને અસરકારક રીતે અમલમાં મૂકવાથી મોટી બચત શક્ય છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઊર્જા બચત માટે સરકારી કચેરીઓ અને હોલમાં માસ્ટર સ્વિચની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટના સમયનું યોગ્ય સંચાલન, બિનજરૂરી લાઇટ-પંખા-એસી બંધ રાખવા, જૂની ઇમારતોમાં એલઇડી લાઇટનો ઉપયોગ, નવી સરકારી ઇમારતોમાં સોલારાઇઝેશન તથા ક્રોસ વેન્ટિલેશન અને કુદરતી પ્રકાશના મહત્તમ ઉપયોગ અંગે રાજ્યપાલએ સૂચનો આપ્યા હતા.
તેમણે ઊર્જા બચત અંગે જનજાગૃતિ વધારવા સ્ટિકર, પોસ્ટર તથા અન્ય માધ્યમોનો ઉપયોગ કરવા પણ સૂચન કર્યું હતું. લોકભવનમાં સ્ટ્રીટ લાઇટના સમયનું સંચાલન, રાત્રિના સમયે વોટર કૂલર બંધ રાખવા અને ડેકોરેટિવ લાઇટ નિયત સમયે બંધ કરવા જેવા પગલાંથી થયેલી વીજ બચતનું ઉદાહરણ પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલએ જિલ્લા સ્તરે નિયમિત સમીક્ષા અને ચકાસણી વ્યવસ્થા ઊભી કરવા તથા વધુ વીજળી બચાવનાર જિલ્લાઓ અને અધિકારીઓને પ્રોત્સાહિત કરવા સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વીજળીની બચત માત્ર નાણાંની બચત નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન છે.
આ બેઠકમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડાયરેક્ટર ડી. કે. પટેલ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


