અમદાવાદ, 9 જુન, 2026 : Exporters face payment delays due to dollar shortage ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાને લીધે ઉદ્યોગ-ધંધામાં હાલ મંદી પ્રવર્તી રહી છે. ત્યારે ગુજરાતના નિકાસકારો ઊર્જા સંકટ, કાચા માલની અછત, શ્રમિકોની તંગી સહિત અનેકવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે પેમેન્ટનો પ્રશ્ન સર્જાયો છે. ડોલરની અછતને કારણે નિકાસકારોના પેમેન્ટ અટકી જતા નિકાસકારો નાણાકીય મુશ્કેલીમાં ફસાયા છે.
રાજ્યના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના કહેવા મુજબ ગુજરાતના ખાસ કરીને ટેક્સ ટાઇલ્સ તથા કેમીકલ્સ નિકાસકારોને પેમેન્ટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આફ્રિકન દેશોમાં માલની ડીલીવરી થઇ ગઇ હોવા છતાં ડોલરની અછતથી પેમેન્ટ અટવાયા છે. છેલ્લા બે-અઢી મહિનાથી આ હાલત ઉભી થઇ છે. પરિણામે વર્કિંગ કેપીટલ સાઇકલ વેરવિખેર થવાની અને નિયમનોની સમસ્યા સર્જાવાની ભીતિ છે.
જાણકારોના કહેવા પ્રમાણે પશ્ચિમી એશિયાના યુધ્ધને કારણે ક્રૂડતેલ ઉછળતા આ હાલત સર્જાઇ છે. સંપૂર્ણપણે આયાત પર નિર્ભર દેશોને વિદેશી હુંડીયામણની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે વ્યાપાર વ્યવહારોની પતાવટ ધીમી કરી નાખવામાં આવી છે. માલ ખરીદનારા ગ્રાહકો પેમેન્ટ ચુકવવામાં મોડું કરી રહ્યા છે. લેખિત કરાર હોવા છતાં તેનું પાલન થઇ શકતું નથી. ટેક્સટાઇલ્સ નિકાસકારોના કહેવા મુજબ કેટલાંક નિકાસ ઓર્ડરમાં આંશિક એડવાન્સ પેમેન્ટ મળ્યું હોય છે. પરંતુ બાકીના નાણાં અટવાયા છે. માલ પહોંચી ગયા અને ક્રેડિટનો નિયત સમયગાળો પૂર્ણ થવા છતાં પેમેન્ટ આવતા નથી. અનેક દેશો ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે અને તેના કારણે પેમેન્ટ મોડા થઇ રહ્યા છે. સામાન્ય રીતે 30 ટકા એડવાન્સ પેમેન્ટ લેવાતું હોય છે.
માલ સંબંધિત પાર્ટીને પહોંચી ગયો છે. ત્યારે પેમેન્ટ રાહ જોવા સિવાય છુટકો નથી. છેલ્લા બે-ત્રણ મહિનાથી પેમેન્ટ મોડું થવાના કિસ્સા વધી રહ્યા છે. કેમીકલ્સ નિકાસકારોની પણ આવી હાલત છે. આફ્રિકી દેશો ઉપરાંત બાંગ્લાદેશમાંથી પણ પેમેન્ટમાં આવી સમસ્યા છે. નિકાસકારો એલસીના આધારે જ માલ મોકલતા હોય છે પરંતુ અનેક કિસ્સામાં એલસી (લેટર એફ ક્રેડિટ) જ સ્થગીત થવા લાગી છે. આફ્રિકી દેશોમાં આ સ્થિતિ છે. નિકાસ વ્યવહારોમાં નિયમનોની સમસ્યા ઉભી ન થાય તે માટે સમગ્ર સ્થિતિથી વાકેફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિકાસ પેમેન્ટની મર્યાદા 9 મહિનાથી વધારીને 15 મહિના કરી દીધી છે.


