ગાંધીનગર, 15 જુલાઈ, 2026 : Illegal resorts and hotels near Gir forest to be demolished ગીરના જંગલ અને તેના આજુબાજુના વિસ્તારોમાં સિંહ દ્વારા હુમલાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગિરનારના પગથિયા પરથી એક બાળકને ખેંચી જઈને સિંહે શિકાર કર્યો હતો. ગીર આસપાસના ભાગોમાં છેલ્લા દોઢ મહિનામાં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે હવે સરકાર દ્વારા આક્રમક બનતા સિંહ તથા લોકોને બચાવવા માટે નવો એકશનપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવેથી ગીર વિસ્તારમાં નવા રિસોર્ટને મંજુરી આપવામાં આવશે નહીં, તેમજ જંગલની નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલા ગેરકાયદે રિસોર્ટ અને હોટલોને તોડી પડાશે. અનિયંત્રીત પ્રવાસન તથા અભ્યારણ ક્ષેત્રમાં નિરંકુશ હેરફેર પર લગામ મુકવાનો સરકારનો વ્યુહ છે.
રાજયના વનવિભાગના સૂત્રોના કહેવા મુજબ ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી સમીક્ષા ન થાય ત્યાં સુધી ગીર જંગલની આસપાસમાં એકપણ નવી હોટેલ કે રિસોર્ટને મંજુરી આપવામાં આવશે નહીં. હાલમાં જંગલ નજીકના વિસ્તારોમાં હોટલ-રિસોર્ટનો રાફડો છે. ઉપરાંત હોમ સ્ટે પણ ચાલુ થયા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આમાંથી કેટલાંક તત્વો ગેરકાયદે લાયન-શો કરે છે તેમજ બારોબાર જંગલ પ્રવાસ પણ કરાવે છે. પર્યાવરણવાદીઓ તેમાં વખતોવખત વિરોધ કરે જ છે. ત્યારે હવે નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રાજયના વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,મ ગીર તથા ગ્રેટર ગીર ક્ષેત્રમાં નવા રિસોર્ટ-હોટલને મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત મંજુરી વિના ગેરકાયદે ચાલતી હોટલ-રિસોર્ટને બંધ કરાવીને ડીમોલીશન કાર્યવાહી કરાશે. આ માટે તુર્તમાં સર્વે હાથ ધરાશે. ધારી-તુલસીશ્યામ કોરિડોર પર ખાસ ફોકસ રહેશે. જયાં 30 જેટલા રીસોર્ટ ખડકાઈ ગયા છે. દીવ જતા પ્રવાસીઓ આ ક્ષેત્રમાં હોલ્ટ કરીને સિંહદર્શન માટે પ્રયાસ કરતા હોય છે. એક અંદાજ પ્રમાણે તલાલા, સાસણ અને મેંદરડા બેલ્ટમાં 550 જેટલા હોમ સ્ટે ચાલે છે. અગાઉ હોમ સ્ટેની મંજુરી લીધા બાદ કોમર્શિયલ રિસોર્ટમાં ફેરવાઈ ગયા છે તેમની સામે શરત-નિયમભંગની કાર્યવાહી થશે.
આ ઉપરાંત અભ્યારણમાંથી નિકળતા રસ્તા પરથી પસાર થતા વાહનો પર નિયંત્રણ મુકવાની તૈયારી છે. પ્રવાસીઓ અધવચ્ચે અટકીને સિંહની તલાશ કરતા હોય છે. નવી ટેકનોલોજી દાખલ કરીને નજર રાખવામાં આવશે.
આ ઉપરાંત ગીરની અંદર આવેલા ધાર્મિક સ્થાનોમાં યાત્રાળુઓના ધસારાને નિયંત્રિત કરવા માટે પણ વન વિભાગ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. જંગલ સફારી માટે પ્રવાસીઓ પર મર્યાદા છે તે ધોરણે યાત્રાળુઓની સંખ્યા પર મર્યાદા લાગુ કરવાની દરખાસ્ત પર વિચારણા હાથ ધરવામાં આવી છે. યાત્રાળુઓને જુદા-જુદા ગ્રુપમાં મોકલવા તથા તાલીમબધ્ધ ટ્રેકરને સાથે રાખવાની વિચારણા છે. સાવજોને કોઇ ખલેલ ન પહોંચે તે માટે ઉંચાભાગોમાં યાત્રાળુઓને લઇ જતાં ડોલીવાળા માટે પણ નિયત કેડી માર્ગ નકકી કરાશે અને તે માટે તાલીમ પણ અપાશે.


