
ચેમ્પિન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ જવા રવાના થઈ
મુંબઈઃ પાકિસ્તાનમાં આગામી 19મી ફેબ્રુઆરીથી આઈસીસી ચેમ્પિયન્સ ટીમનો પ્રારંભ થશે. ભારતીય ટીમની તમામ મેચ યુએઆઈમાં રમાશે. દરમિયાન ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જવા રવાના થઈ છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ એક સાથે દુબઈ જવા રવાના થયા છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીસીસીઆઈએ તાજેતરમાં 10 નવી નીતિઓ અનુસાર તમામ ખેલાડીઓએ સાથે જ પ્રવાસ કરવો પડશે.
મુંબઈ એરપોર્ટ પરથી લેવામાં આવેલા વીડિયોમાં, કોચ ગૌતમ ગંભીર ચેક-ઇન માટે જતા સૌથી આગળ જોવા મળ્યા હતા. તેની પાછળ, વોશિંગ્ટન સુંદર, ઉપ-કપ્તાન શુભમન ગિલ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ, શ્રેયસ ઐયર, બેટિંગ કોચ સિતાંશુ કોટક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સહાયક કોચ રાયન ટેન ડોશેટ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઋષભ પંત, કુલદીપ યાદવ અને કેટલાક અન્ય સ્ટાફ જોવા મળ્યા હતા. ત્યારબાદ રોહિત શર્મા પણ કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો અને તે ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે જોવા મળ્યો.
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યુઝીલેન્ડ સામે ટુર્નામેન્ટની શરૂઆત કરશે. પાકિસ્તાનની છેલ્લી લીગ મેચ 27 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 23 ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ રમાશે. આ મેચ દુબઈમાં રમાશે. પાકિસ્તાન ઉપરાંત, ભારતના ગ્રુપમાં અન્ય બે ટીમો બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ છે. આ મોટી મેચ પહેલા, ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ટકરાશે અને પાકિસ્તાન સામે ટકરાયા બાદ, ટીમ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ભારતની રમતો ઉપરાંત, બંને ગ્રુપની મેચો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે.