Homeગુજરાતીગુજરાતધારી નજીક આંબરડી સફારી પાર્કમાં હવે સિંહ સાથે દીપડા પણ જોવા મળશે

ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં હવે સિંહ સાથે દીપડા પણ જોવા મળશે

અમરેલી, 25 ઓગસ્ટ, 2026 : Leopards, along with lions, will now be seen at Ambardi Safari Park. જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં સિંહની સાથે પ્રવાસીઓને દીપડાના દર્શનનો પણ લહાવો મળશે. વન્યજીવપ્રેમીઓ માટે નવું નજરાણું ઉમેરાયું છે. સફારી પાર્કમાં હરણ, નીલગાય, વરુ અને વિવિધ જાતિના પક્ષીઓ અને સિંહ અને દીપડાનો નજારો પણ માણી શકાશે.

આંબરડી સફારી પાર્કમાં હવે વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું ‘લેપર્ડ સેન્ટર’ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. આ સેન્ટરના કારણે પ્રવાસીઓને સિંહ દર્શનની સાથે દીપડાને પણ નજીકથી નિહાળવાની તક મળશે. દીપડાના કુદરતી રહેઠાણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ નવા સેન્ટરમાં પ્રવાસીઓને વન્યજીવનનો રોમાંચક અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંબરડી સફારી પાર્કમાં દિવાળી, જન્માષ્ટમી, હોળી સહિતના તહેવારો દરમિયાન પહેલાથી જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હતી. હવે દીપડાનું નવું આકર્ષણ ઉમેરાતા સફારી પાર્કમાં પ્રવાસીઓનો ઘસારો વધુ વધવાની શક્યતા છે.

 વર્ષ 2017માં ગુજરાત વન વિભાગ અને ટુરિઝમ વિભાગ દ્વારા ધારી નજીક આંબરડી સફારી પાર્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગીરના કુદરતી વાતાવરણ વચ્ચે એશિયાટિક સિંહોને નજીકથી નિહાળવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. વર્ષ દરમિયાન દોઢ લાખથી વધુ પ્રવાસીઓ આંબરડીની મુલાકાત લેતા હોય છે. સિંહ ઉપરાંત હરણ, નીલગાય, વરુ અને વિવિધ જાતિના પક્ષીઓ પણ સફારી પાર્કના મુખ્ય આકર્ષણ રહ્યા છે. હવે સિંહ સાથે દીપડાનું નવું આકર્ષણ જોવા મળશે.

 આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સફારી માટે એસી અને નોન-એસી બસની સુવિધા, સુસજ્જ વેઇટિંગ એરિયા, ફોટો સેશન પોઇન્ટ, બાળકો માટે પ્લે હાઉસ તેમજ સેનિટરીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular