Homeગુજરાતીગુજરાતવડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પગ લપસતા પડેલા આધેડને મગર ખેંચી જતાં મોત

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પગ લપસતા પડેલા આધેડને મગર ખેંચી જતાં મોત

વડોદરા, 24 ઓગસ્ટ 2026 : Man dies after slipping into Vishwamitri River and being dragged away by a crocodile શહેર નજીકના તલસટ ગામે વિશ્વામિત્રી નદીમાં કિનારે ઊભેલા એક આધેડ વ્યક્તિનો પગ લપસતા અચાનક નદીમાં પડ્યા હતા. તે દરમિયાન નદીમાં એક મોટો મગર આધેડને ખેંચી ગયો હતો. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને તંત્રને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ નદીમાં હોડી ઉતારીને શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી હાથ ધરેલી ભારે શોધખોળ બાદ મગરના મુખમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેર નજીક આવેલા તલસટ ગામના રાઠોડિયા વાસમાં રહેતા આધેડ રણછોડભાઈ રાઠોડ ઘરની પાસે ઊભા હતા, તે દરમિયાન અચાનક પગ લપસી જતાં વિશ્વામિત્રી નદીમાં ખાબક્યા હતા. તેઓ પાણીમાંથી બહાર નીકળે તે પહેલાં જ નદીમાં મગરે તેના પર હુમલો કરીને ખેંચી લીધા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને સ્થાનિક રેસ્ક્યુ ટીમે નદી કાંઠે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ મોડી રાત્રે રણછોડભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને મગરના જડબામાંથી ભારે પ્રયાસો બાદ છોડાવી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના મોઢા તેમજ શરીરના અન્ય ભાગો પર મગરના જીવલેણ હુમલાના ગંભીર નિશાનો જોવા મળ્યા હતા.

અટલાદરા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રણછોડભાઈનું મોત ડૂબી જવાથી થયું છે કે મગરના હુમલાથી, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ અટલાદરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular