અમદાવાદ, 24 ઓગસ્ટ 2026 : Price of a ‘cutting’ of tea hiked દૂધ અને ગેસના ભાવમાં વધારા બાદ ખાંડના કિલોના ભાવ રૂપિયા 70 પહોંચતા ચાની કિટલીવાળાઓએ કટિંગના ભાવમાં વધારો કરતા હવે ચાની ચુસ્કી કડવી બની છે, ઘણાબધા કિટલીધારકોએ ચાના ભાવમાં રૂપિયા 5નો વધારો કરી દીધો છે. એટલે અગાઉ ચાનું કટિંગ રૂપિયા 10માં મળતુ હતું તેના હવે રૂપિયા 15 ચુકવવા પડી રહ્યા છે.
અમદાવાદમાં ચાના કિટલીધારકોના કહેવા મુજબ ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો વધારો થતા ભાવ પ્રતિકિલોએ રૂપિયા 70 પહોંચ્યો છે. જેના કારણે હાલ 15 રૂપિયાની અડધી ચા વેચવી પોસાય તેમ નથી. અડધી ચાના રૂપિયા 20 કરવા પડશે. અન્ય ટી સ્ટોલના સંચાલકે કહ્યું કે, પહેલા 50 કિલો ખાંડની બોરી 2200 રૂપિયાની આવતી. જે હવે 3650 રૂપિયાની મળી રહી છે. ખાંડ ઉપરાંત માણસોના પગાર, ગેસ, અને ભાડામાં વધારો થયો છે. અગાઉ ચાનુ કટિંગ રૂપિયા 10માં વેચવામાં આવતું હતું એમાં રૂપિયા 5નો વધારો કરીને હવે રૂપિયા 15 કરાયા છે.
માત્ર અમદાવાદ જ નહીં તમામ શહેરોમાં ચાના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ ટી એસોસિએશનના પ્રમુખ રાજુ ઠુંગાએ જણાવ્યું કે, 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં વધારો કરવાની ટી સ્ટોલ ધારકો વિચારણા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઈંધણ, દૂધ અને હવે ખાંડના ભાવમાં વધારો થયો છે જેથી રાજકોટમાં હાલ અડધી ચાના 13 છે તે વધારીને 15 અને આખીના 25 છે તે વધારીને 30 કરવામાં આવશે.
ટી સ્ટોલ ધારકોના કહેવા મુજબ ખાંડના ભાવ 40 રૂપિયા હતા તે સીધા જ વધીને 70 થઈ ગયા છે. જેના કારણે અમારા ધંધા પર અસર પડી છે. ખાંડની સાથે દૂધના ભાવ પણ વધ્યા હોવાના કારણે ના છુટકે ચાના ભાવમાં વધારો કરવો પડશે.


