
- સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકો દ્વારા તલવટનો પ્રસાદ ધરાવાયો,
- પાંચાળ પ્રદેશ સર્પ ભૂમિ તરીકે ઓળખાય છે,
- વાસુકીદાદાની પૂજાનું મહાત્મ્ય
અમદાવાદઃ શ્રાવણી પર્વની શૃંખલા સાતમ આઠમના તહેવારોનો પ્રારંભ થયો છે. ગઈકાલે બોળચોથ હતી અને આજે બીજા દિવસે નાગપાંચમ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય જોવા મળે છે. જન્માષ્ટમીના લોક મેળાઓ ગામેગામ યોજાશે. આજે નાગપાંચમના દિને લોકોએ નાગદેવતાના મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. તેમજ નાગ દાદાને તલવટનો પ્રસાદ ધરાવાયો હતો. ભાવનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે મહિલાઓએ વાસુકીદાદા, શરમાળીયા દાદા અને નાગદેવતાના મંદિરમાં પૂજા કરી હતી.
નાગ પાંચમ નિમિતે આજે મહિલાઓ દ્વારા મંદિરોમાં કુલેર, શ્રીફળ, તલવટના નૈવેદ્ય ધરવા સાથે નાગલાની માળા ચડાવી સર્પદેવતા પાસે રક્ષાની કામનાઓ કરી હતી. બોળચોથના પર્વ સાથે જન્માષ્ટમી પર્વ શ્રૃંખલાનો આરંભ થયો છે ત્યારે આજરોજ દર વર્ષની પરંપરા મુજબ નાગ પંચમી ના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં નાગપંચમી બાદ જનમાષ્ટમી પર્વની ઉજવણી થાય છે. ત્યારે નાગપાંચમનો તહેવાર ઠેર ઠેર ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલા વાસુકીદાદાના મંદિરનું ઐતિહાસિક મહત્વ છે. આ મંદિર આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. પૌરાણિક કાળમાં સપ્તઋષિઓમાંના 5 ઋષિએ ધર્મયાત્રા દરમિયાન આ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ચાતુર્માસ ગાળ્યા હતા. પૌરાણિક કથા એવી છે કે, તે સમય દરમિયાન ઋષિઓ યજ્ઞો, ધાર્મિક કાર્યો કરતા હતા. તે સમયે ભીમપુરી નગરીના ભીમાસુર નામના અસુરે યજ્ઞમાં હાડ માંસ ફેંકીને ઋષિમુનિઓના યજ્ઞમાં વિઘ્ન કરવાનું શરૂ કર્યું હતું. તેથી ઋષિમુનિઓએ હાલના વાસુકીદાદાના મંદિરના તળાવના કાંઠે પંચ કુંડી યજ્ઞ કુંડ બનાવી યજ્ઞ શરૂ કર્યો. હાલમાં પણ આ તળાવનું એક નામ પંચ કુંડીયુ તળાવ તરીકે જાણીતું છે. યજ્ઞમાં ઋષિમુનિઓએ ભગવાન વિષ્ણુનું આહવાન કર્યું. આકાશવાણી થઈ કે હું વાસુકી, તક્ષક તથા શેષનાગ સ્વરૂપે પ્રગટીને અસુરોનો વિનાશ કરીશ. કણ્વ ઋષિએ શેષનાગને પ્રાર્થના કરી કે ‘હે નાગ દેવ, તમો આ પ્રદેશના રક્ષક દેવતા બનો અને પ્રજાનું કલ્યાણ કરો.’ શેષનાગે કહ્યું, હું તો પૃથ્વીનો ભાર વહન કરું છું. તેથી મારા બાંધવ વાસુકી નાગને આ પાંચાળ ભૂમિના રક્ષક તરીકે સ્થાપિત કરું છું. ત્યારથી પાંચાળ ચોવીસીના રક્ષકદેવ તરીકે વાસુકીદાદાની પૂજા આ પ્રદેશમાં થાય છે.