અમદાવાદ, 29 એપ્રિલ 2026: Demand for 2 percent DA increase for Gujarat employees કેન્દ્ર સરકારે તાજેતરમાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે. ત્યારે કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓને પણ બે ટકા મોંઘવારી ભથ્થુ આપવાની માગ ઊઠી છે. આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને 2% DA વધારાનો લાભ રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોને પણ તાત્કાલિક આપવા માંગ કરી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી એવી રજુઆત કરી છે કે, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે 2% મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોમાં પણ આ વધારાની અપેક્ષા છે. વધતી મોંઘવારી, રોજિંદા જીવનના વધતા ખર્ચ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના ભારને ધ્યાનમાં લેતા આ વધારો અત્યંત જરૂરી છે. લાંબા સમયથી રાજ્યના કર્મચારીઓ DA વધારાની રાહ જોઈ રહ્યા છે. સમયસર નિર્ણય લેવાથી કર્મચારીઓમાં સંતોષ વધશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ મજબૂત બનશે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવી પણ રજુઆત કરવામાં આવી છે કે, સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી વધારાની સાથે અન્ય લાભોમાં પણ યોગ્ય વધારો કરવો જોઈએ. સંઘે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર કર્મચારીઓ અને શિક્ષકોની લાગણીઓને સમજશે અને વહેલી તકે સકારાત્મક નિર્ણય કરશે. અંતમાં સંઘે જણાવ્યું છે કે આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે રાહતરૂપ નહીં બને, પરંતુ રાજ્યના શૈક્ષણિક અને વહીવટી તંત્રને પણ વધુ મજબૂત બનાવશે.


