અમદાવાદ, 2 જુન, 2026 : Rain in 150 talukas as weather changes ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનને હજુ પખવાડિયાનો સમય બાકી છે. ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગત રાત્રે રાજ્યના 150 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે મંગળવારે સવારથી બપોર સુધીમાં 6 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં પાટણના સમી, સુરતના કામરેજ અને ઓલપાડ, બનાસકાંઠાના ઓગડ, મહેસાણાના વિસનગર અને ડાંગમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.
રાજ્યમાં આજે મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પ્રિ-મોન્સૂન વરસાદ તૂટી પડ્યો હતો. કુલ 150 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ધંધુકામાં 3.74 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ઉમરપાડામાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં આ કમોસમી વરસાદના કારણે આંબાના પાક (કેરી) પર નિર્ભર ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
અમદાવાદ શહેરમાં ગઈ મોડી રાત્રે 10:00 વાગ્યા બાદ અને ત્યારબાદ મધરાતે 02:30 વાગ્યે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પાલડી, સરખેજ, જુહાપુરા, બોપલ, SG હાઇવે, વાસણા, આશ્રમરોડ, ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવમાં 0.5થી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા, ચાંદખેડા, થલતેજ, જોધપુર, સેટેલાઈટ અને રાણીપમાં 0.5 ઇંચ જ્યારે પૂર્વ વિસ્તારના રામોલ, જશોદાનગર અને CTMમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મણિનગર, નરોડા અને ઓઢવમાં અડધા ઇંચથી ઓછો વરસાદ હતો.


