
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘમહેર થઈ છે. આજે શનિવારે 12 જિલ્લામાં ભારે તો 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આજે શનિવારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ તરફ ઉત્તર ગુજરાતના બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે….જેમાં ગુજરાતના 201 તાલુકામાં વરસાદ થયો છે….રાજ્યના 57 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.