અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Report against DCP Nakum submitted to the High Court. સુરતમાં આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢીને માર મારવાના ચકચારી કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટે આ સમગ્ર ઘટનાને લઇને સુઓમોટો અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ડીસીપી નકુમ સામેની તપાસ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી સીલબંધ કવરમાં રજૂ કરી હતી. આ મામલે હવે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્કે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, ડીસીપી નકુમ સામે કરવામાં આવેલી સંપૂર્ણ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ તપાસનો અહેવાલ સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ વડાને પણ તપાસ અંગે જાણ કરવામાં આવી હોવાનું સરકાર તરફથી કોર્ટને જણાવાયું હતું.
સરકાર તરફથી વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ડીસીપી નકુમ સામે હવે આગળની કાર્યવાહી અને નિર્ણય રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવશે. એડિશનલ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલ તપાસ અહેવાલ સીલ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. હવે તેના આધારે રાજ્ય સરકાર દ્વારા આગળનો નિર્ણય કરશે.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને સુરતના ભાજપ નેતા મુકેશ ગુજરાતી દ્વારા હાઈકોર્ટ જજ સામે કરાયેલી અયોગ્ય મીડિયા પોસ્ટ ઉપર પગલા લેવા ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી હતી. જો કે કોર્ટે કહ્યું કે, દેશમાં અભિવ્યક્તિની સ્વાતંત્રતા છે. આ કેસમાં કોર્ટે શું કરવા જેવું છે અને શું નહીં તેની કોર્ટને ખબર છે. આ પ્રકારની કમેન્ટને સંપૂર્ણપણે અવગણવી તે જ શ્રેષ્ઠ ઉપાય છે. તાજેતરમાં એવું બની રહ્યું છે કે, સોશિયલ મીડિયામાં ન્યાયતંત્ર વિરુદ્ધ કમેન્ટ કરવામાં આવી રહી છે. કોર્ટે મુકેશ ગુજરાતીની કમેન્ટને હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ઠરાવ કરીને વખોડી નાખવાના કાર્યના વખાણ કર્યા હતા.


