Homeગુજરાતીગુજરાતરાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તનની સરકારે લીધી ગંભીર નોંધ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તનની સરકારે લીધી ગંભીર નોંધ

ગાંધીનગર, 22 ઓગસ્ટ, 2026 :  Government takes serious note of the mistreatment of a female doctor રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિનિયર મેડિકલ ઓફિસરના ગેરવર્તનના આક્ષેપ સાથે રેસિડેન્ટ ડૉક્ટરો ધરણા પર બેઠા હતા. ડૉક્ટરોએ સિનિયરની તાત્કાલિક બદલીની માંગ કરી છે. ઇમરજન્સી વોર્ડ બહાર મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડૉક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આરોગ્ય વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે મહિલા તબીબની હિંમત વધારવાની સાથે તેમને ન્યાય અને સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના આદેશથી રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલના ડો. અશ્વિન રામાણીની પંચમહાલ જિલ્લાના વાવકુંડલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે બદલી કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય સેવાઓમાં કાર્યરત દરેક મહિલા કર્મચારી અને તબીબની સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યસ્થળે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે અયોગ્ય વર્તનને બિલકુલ સહન કરવામાં આવશે નહીં.

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સુરક્ષિત, સન્માનજનક અને હકારાત્મક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે, મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તેમજ સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આવી ગેરવર્તણૂકના કિસ્સાઓમાં દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular