રાજકોટ, 8 જુન 2026 : Shopkeeper dies after car crashes into shop at full speed જિલ્લાના ત્રંબા ગામ નજીક બપોરના સમયે પૂરપાટ ઝડપે આવેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડ કિનારે આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં દુકાન ખોલી રહેલા 52 વર્ષીય વેપારીનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતુ. કારના બોનેટ પર લગાવેલા સીસીટીવીમાં અકસ્માતના દ્રશ્યો કેદ થયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેર નજીક આવેલા ત્રંબા ગામમાં આવેલી એગ્રોની દુકાનના માલિક 52 વર્ષીય કનૈયાલાલ બારસિયા બપોરે પોતાની દુકાન ખોલી રહ્યા હતા. બરાબર એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા જ કાર પૂરઝડપે સીધી કનૈયાલાલની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કનૈયાલાલ કાર અને દુકાનની દીવાલ વચ્ચે દબાઈ ગયા હતા. અકસ્માતના આ બનાવથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ દુકાનદારને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. જોકે, સામાન્ય રીતે અકસ્માત સર્જીને ભાગી જતા ચાલકો કરતાં ઉલટું આ ઘટનામાં કારચાલક યુવકે ઘટનાસ્થળેથી ફરાર થવાનો કોઈ પ્રયત્ન કર્યો ન હતો. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને પોલીસ કાર્યવાહીમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. હાલ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રામજનોના કહેવા મુજબ અકસ્માતનો ભોગ બનેલા કનૈયાલાલ બારસિયા પોતાના ઘરના મુખ્ય કમાઉ સભ્ય અને પરિવારનો આધારસ્તંભ હતા. તેમના અચાનક અને આવા કરુણ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક કનૈયાલાલ પોતાના પરિવારમાં વૃદ્ધ માતા, પત્ની, એક દીકરી અને એક દીકરો મૂકી ગયા છે, જેમના માથેથી પિતાની છત્રછાયા ગુમાવતા ભારે આક્રંદ છવાયું છે.


