અમદાવાદ, 8 જુન 2026 :Schools start teaching from today રાજ્યમાં ઉનાળાના લાંબા વેકેશન બાદ આજથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્યને પ્રારંભ થયો છે. મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના કેમ્પસ આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરાઓ અને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની અંદાજે 54000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે.
નવા શૈક્ષણિક સત્રના આજે પ્રથમ દિવસે શાળાએ પહોંચેલા અંદાજે 1.15 કરોડ બાળકોનું વિવિધ શાળાઓમાં પરંપરાગત અને ભારે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકોએ તિલક કરીને અને પુષ્પ આપીને વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને ફરી મળવાનો અનોખો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતો હતો. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે.
હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ અન્ય સૂચના ન મળતાં પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. આ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, તીવ્ર ગરમીથી બચાવવા માટે સ્કૂલોમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે વોટર કુલર સહિતની વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.


