રાજકોટ, 13 સપ્ટેમ્બર, 2026 : Man arrested for stealing 30 batteries from RMC’s CCTV cameras શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈવે પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ જાહેર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટના લોક તોડીને કુલ 30 બેટરીઓની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીની કલાકમાં આરોપી રવિ વઢવાણિયાની ધરપકડ કરી ચોરી કરાયેલી 10 બેટરી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરએમસી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કેમેરાના સંચાલન માટે આઉટડોર યુનિટમાં બેટરી રાખવામાં આવતી હોય છે. તસ્કરોએ આઉટડોર યુનિટના લોક તોડીને 30 બેટરીઓની ચોરી કરતા સીસીટીવી કેમેરાની કામગીરી ઠપ થઈ ગઈ હતી. આથી આઈવે પ્રોજેક્ટમાં ઇનોવર્ક કંપનીના પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અને બાલજી હોલ પાછળ રહેતા સ્મીતભાઈ જયસ્વાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સનું કામ સંભાળે છે. ગત તા.20 જૂનના રોજ નાના મૌવા સર્કલ કન્ટ્રોલ રૂમ ખાતેથી ચેકિંગ દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા માલવીયા આર.કે.સી ચોક અને જ્યુબેલી ચોકના સીસીટીવી કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું હતું. આથી મેન્ટેનન્સ ટીમ દ્વારા ત્યાં જઈને તપાસ કરતા આઉટડોર યુનિટનું લોક તૂટેલું હતું અને તેમાંથી રૂ.36,000ની કિંમતની 12 બેટરીઓ ગાયબ હતી.
આ ઉપરાંત એ ડિવિઝન વિસ્તારના ગુંદાવાડી, સંગણવાચોક અને ભુપેન્દ્રરોડ વોર્ડ ઓફિસ પાસેના આઉટડોર યુનિટના લોક તોડીને રૂ.27,000ની 9 બેટરીઓની ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. એ જ દિવસે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના દૂધસાગર મેઇન રોડ પર ફારુકી મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પાસેથી રૂ.9,000ની 3 બેટરીઓ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન હેઠળના જામટાવર ચોક ખાતેથી એક્સાઇડ કંપનીની 12 વોલ્ટની રૂ.18,000ની કિંમત ધરાવતી 18 બેટરીઓની ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.
આમ અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 30 બેટરી ચોરાઈ હોવાની ઘટનાઓ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ ટીમે તપાસ હાથ ધરી બેટરી ચોરી કરનાર રવિ વઢવાણિયાની ધરપકડ કરી તેની પાસેથી 10 બેટરીઓ કબ્જે કરી અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તેમજ બાકીની ચોરાયેલી બેટરીઓ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે.


