1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોળકા તાલુકામાં વસતી ગણતરી માટે ગયેલી શિક્ષિકાની શિક્ષક પતિએ કરી હત્યા
ધોળકા તાલુકામાં વસતી ગણતરી માટે ગયેલી શિક્ષિકાની શિક્ષક પતિએ કરી હત્યા

ધોળકા તાલુકામાં વસતી ગણતરી માટે ગયેલી શિક્ષિકાની શિક્ષક પતિએ કરી હત્યા

0
Social Share

અમદાવાદ, 4 જુન, 2026 : Teacher murdered by husband  જિલ્લાના ધોળકા તાલુકામાં રીનાબેન ઝાલા નામના શિક્ષિકા વસતી ગણતરીના કામ માટે ગ્રામ્ય વિસ્તારમાં ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના નજીક વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો અર્ધ નગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક મહિલા અન્ય કોઈ નહીં પણ એક શિક્ષિકા હોવાનું અને તેની ઘાતકી હત્યા તેના જ શિક્ષક પતિએ કરી હોવાનો પર્દાફાશ થયો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેલિયા વાસણા અને શેખડી ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી એક મહિલા શિક્ષિકાનો અર્ધ નગ્ન અને સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ભયાનક ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે નર્મદા કેનાલની નજીક આવેલા ખેતરમાં રહેતા એક સ્થાનિક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર કેનાલના પાળા પર પડેલા અર્ધ નગ્ન સળગેલા મૃતદેહ પર પડતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક ધોળકા રૂરલ પોલીસને આ અંગે જાણ કરી હતી, જેના પગલે પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  મૃતક મહિલાનું નામ રીનાબહેન ઝાલા હતું, જેઓ વ્યવસાયે શિક્ષિકા હતા. તેમનો પતિ બળદેવ ઝાલા પણ શિક્ષક છે અને તે ધોળકાની ખાત્રીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઉગ્ર ઘરકંકાશ ચાલતો હતો. આ જ કૌટુંબિક ઝઘડા અને કંકાશથી કંટાળીને શિક્ષક પતિએ પત્ની રીનાબહેનની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પતિએ ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે રીનાબહેનની મૃતદેહને નર્મદા કેનાલના પાળા પર લઈ જઈને સળગાવી દીધો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ હત્યા કેસ ઉકેલવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. શંકાના આધારે પોલીસે જ્યારે શિક્ષક પતિ બળદેવ ઝાલાની અટકાયત કરીને તેની કડક અને આગવી ઢબે પૂછપરછ શરૂ કરી, ત્યારે તે વધુ સમય ટકી શક્યો નહીં અને પોલીસ સામે ભાંગી પડ્યો હતો. બળદેવ ઝાલાએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. ધોળકા પોલીસે બળદેવ ઝાલાની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code