અમદાવાદ, 4 જુન, 2026 : Writ filed in High Court against assigning census work to bank employees રાજ્યમાં હાલ વસતી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. વસતી ગણતરીની કામગીરીમાં શાળાના શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ અને અધિકારીઓને પણ કામગીરી સોંપાતા બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશને હાઈકોર્ટમાં રિટ કરી છે. જેના પગલે હાઈકોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
સુરત શહેરના વસતી ગણતરી અધિકારી અને સુરત મ્યુનિ.કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગઈ તા. 12 મેના રોજ એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશ હેઠળ વસતી ગણતરી અધિનિયમની કલમ-4 અંતર્ગત બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ અને અધિકારીઓને ગણતરીકાર અને સુપરવાઇઝર તરીકે ફરજ સોંપવામાં આવી હતી. આ અંગે બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશને હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, બેંક ઓફ ઈન્ડિયા કોઈ સ્થાનિક સત્તામંડળ કે સ્થાનિક સંસ્થા નથી. તેથી તેના કર્મચારીઓને વસતી ગણતરી જેવી ફરજો સોંપી શકાય નહીં. એસોસિએશન દ્વારા અગાઉ સંબંધિત અધિકારી સમક્ષ આ આદેશ પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે રજૂઆત નામંજૂર કરવામાં આવી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું.
અરજદાર પક્ષે વસ્તી ગણતરી અધિનિયમની કલમ-4Aનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ જોગવાઈ મુજબ વસતી ગણતરીની કામગીરી માટે સ્થાનિક સંસ્થાઓના સ્ટાફને નિયુક્ત કરવાની જોગવાઈ છે. અરજદારોના વકીલે વર્ષ 2011ની વસતી ગણતરી દરમિયાન LICના કર્મચારીઓએ દાખલ કરેલા કેસનો પણ હવાલો આપ્યો હતો. તે કેસમાં હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે LICના 339 કર્મચારીઓને વસતી ગણતરીની ફરજ સોંપતી નોટિસો રદ કરી હતી. બાદમાં વર્ષ 2019માં ડિવિઝન બેન્ચે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. અરજદારોએ કોર્ટ સમક્ષ વસતી ગણતરીની ફરજ સોંપતા આદેશ પર તાત્કાલિક સ્ટે આપવા માંગ કરી હતી. જોકે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, વસતી ગણતરી એક લાંબી અને તબક્કાવાર પ્રક્રિયા છે અને તેની શરૂઆત તાજેતરમાં જ થઈ છે. આથી તાત્કાલિક સ્ટે અંગે કોઈ આદેશ કર્યા વગર કોર્ટ દ્વારા સંબંધિત સત્તાધિકારીઓનો જવાબ માંગવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી વકીલ ઐશ્વર્યા ગુપ્તાએ કોર્ટને જણાવ્યું હતું કે, સરકાર અને વસતી ગણતરી સત્તાવાળાઓ તરફથી આ મામલે વિગતવાર જવાબ રજૂ કરવામાં આવશે. સરકારનો પક્ષ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર સહિત સંબંધિત વસતી ગણતરી સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે અને 10 જૂન સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.


