મહેસાણા, 4 જુન, 2026 : Three teenagers die after being hit by a goods train જિલ્લાના શોભાસણ ગામ પાસે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ત્રણ માસૂમ કિશોરોને માલગાડીએ અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાને લીધે ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હસતા-રમતા આશાસ્પદ કિશોરોના અકાળે અવસાનથી ત્રણ પરિવારોના માથે જાણે આભ તૂટી પડ્યું છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, મહેસાણાના શોભાસણ ગામ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પરથી ગઈકાલે બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ત્રણ કિશોરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી એક માલગાડીએ ત્રણેય કિશોરોને અડફેટે લીધા હતા. ટ્રેનની ગતિ એટલી વધારે હતી કે માસૂમ બાળકોને ત્યાંથી ખસીને પોતાનો જીવ બચાવવાની કોઈ જ તક મળી શકી ન હતી. અને ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. આજુબાજુના લોકો કંઈ સમજે કે તેમની મદદે દોડે તે પહેલાં જ કાળમુખી ઘટનાએ ત્રણ આશાસ્પદ જિંદગીઓને કાયમ માટે છીનવી લીધી હતી.
આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં રેલવે ટ્રેક પાસે એકઠા થઈ ગયા હતા. તત્કાળ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા, મહેસાણા પોલીસનો કાફલો અને રેલવે પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને ત્રણેય મૃતદેહોનો કબ્જો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી
આ બનાવથી શોભાસણ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ ત્રણેય પરિવારોમાં રોકકળ અને આક્રંદ જોવા મળ્યો હતો. પોતાના વ્હાલસોયા દીકરાઓના અચાનક અને કરુણ મોતથી માતા-પિતાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. સમગ્ર પંથકના લોકો આ દુઃખદ ઘડીમાં શોકાતુર પરિવારોને સાંત્વના પાઠવવા માટે ઉમટી પડ્યા હતા.


