પાટણ, 4 જુન, 2026 : Female constable dies in fire caused by AC blast અસહ્ય ગરમીમાં વધુ સમય એસી ચાલુ રાખવાને લીધે આગના બનાવો પણ બની રહ્યા છે, પાટણ શહેરના પદ્મનાથ ચોકડી નજીક આવેલા ગાયત્રી ફ્લેટમાં એર કન્ડિશનર (એસી)માં અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આગને લીધે ફ્લેટમાં નિંદર માણી રહેલા મહિલા પોલીસકર્મચારીનું મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, પાટણ શહેરમાં પદ્મનાથ ચોકડી નજીક આવેલા ગાયત્રી ફ્લેટમાં રહેતા અને એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતા સુરેખાબેન ચૌધરી બપોરના સમયે પોતાના ઘરમાં એકલા સૂઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ચાલુ એસીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ શોર્ટ સર્કિટના કારણે આખા રૂમ સહિત ઘરમાં આગ લાગી ગઈ હતી. રૂમમાં સૂતેલા મહિલા પોલીસકર્મીને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે તેઓ ઘરની અંદર જ ફસાઈ ગયા હતા. આગને લીધે સુરેખાબેન ચૌધરીનું શરીર સંપૂર્ણપણે બળી ગયું હતું. તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મૃતક મહિલા પાટણ જિલ્લા પોલીસના એલઆઈબી (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો) વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બ્લાસ્ટના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. જ્યારે ફોરેન્સિક પીએમ માટે મહિલાકર્મીની લાશને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે રૂમમાંથી મહિલા પોલીસકર્મીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પહેલા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા વિગતવાર પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા સવારે હાથ ધરવામાં આવી હતી.


