સુરત, 4 મે 2026: Two accused arrested from UP in SBI bank robbery case શહેરના વરાછા વિસ્તારમાં SBI બેંકમાં ધોળા દહાડે સાત જેટલા લૂંટારૂ શખસોએ બંદુકની અણીએ રૂપિયા 50 લાખની લૂંટ કરીને પલયાન થઈ ગયા હતા. આ લૂંટ કેસમાં લૂંટારૂ શખસો શાતિર માઈન્ડના હોવાથી તેનું પગેરૂ મેળવવા માટે પોલીસને ભારે જહેમત ઊઠાવી પડી હતી. સઘન તપાસ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી 2 આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓના નામ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ (DCB)ને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી આરોપી શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંઘની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને ઉત્તર પ્રદેશની ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી રહી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓને સઘન પૂછપરછ અને લૂંટાયેલી રકમ રિકવર કરવા માટે સુરત લાવવામાં આવશે.
શહેરના વરાછા વિસ્તારની વ્યસ્ત SBI બેન્કમાં ધોળા દિવસે થયેલી આ લૂંટને પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. સુરત પોલીસ કમિશનરના આદેશથી ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો આ કેસના ઉકેલ માટે કામે લાગી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ લૂંટને અંજામ આપી સીધા રાજ્ય બહાર ભાગી ગયા હતા. હવે સુરત લાવ્યા બાદ તેમની પૂછપરછમાં આ ટોળકીમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ધીરજ કુમાર નામના ફેક આઈડીનો ઉપયોગ કરીને તેલંગાણાથી લૂંટાયેલી બાઈક ખરીદવામાં આવી હતી, જેના દ્વારા આ ગુનાને અંજામ આપવાનું ષડયંત્ર રચાયું હતું. આરોપીઓ લૂંટના એક મહિના અગાઉ જ સુરત આવી ગયા હતા અને રાંદેર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા, પરંતુ લૂંટના બરાબર એક મહિના પહેલા જ તેમણે તે મકાન ખાલી કરી દીધું હતું જેથી તેમની ઓળખ છુપાવી શકાય. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ 16મી એપ્રિલના રોજ એરપોર્ટ રોડ પર લાગેલા ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરામાં કેદ થયા હતા અને ત્યારબાદ જ્યારે લૂંટની ઘટના બની ત્યારે પણ તેઓ સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા, જેના આધારે પોલીસે તેમની કડીઓ મેળવી તપાસ તેજ કરી હતી.


