વડોદરા, 25 ઓગસ્ટ, 2026 : Two BJP factions clashed in Dabhoi’s Bhilapur village જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં નજીવી વાતે ભાજપના જ બે જૂથો બાખડી પડ્યા હતા. ગામમાં ભાજપના જ એક જુથ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ પરની કોમેન્ટને લઈને બોલાચાલી બાદ બન્ને જુથો આમને-સામને આવી ગયા હતા. જાહેર રસ્તા પર જ બંને જૂથના લોકોએ છુટ્ટાહાથની મારામારી કરી એકબીજાના કપડા ફાડી નાખ્યા હતા. કેટલાક લોકો લોહીલુહાણ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મારમારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના ફેસબુક પેજ પર કરવામાં આવેલી એક પોસ્ટ પરની કોમેન્ટને લઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ બન્ને જુથ આમને-સામને આવી ગયા હતા. સૂત્રોના મતે બંને જૂથો વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી છે. જેમાં સોશિયલ મીડિયા પર થયેલી કોમેન્ટે આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું. આ બનાવમાં ઈજાગ્રસ્ત પરેશ પટેલે જણાવ્યું કે, ભીલાપુર ગામની ભાગોળે ડેપ્યુટી સરપંચ અને અન્ય લોકો બેઠા હતા.ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ અને તેમના સાથીદારો ત્યાં પહોંચ્યા હતા. ફેસબુક પર દારૂ-જુગાર બાબતે મૂકેલી પોસ્ટમાં કોમેન્ટ કરી હતી જે બાબતે બોલાચાલી કરતા હતા ત્યારે જ પાછળથી આવીને કોઈએ મારા માથામાં મારી દીધું હતું. આ અંગે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલે જણાવ્યું કે, ભીલાપુર વિસ્તારના સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ થતા વિવાદ થયો હતો. જે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ગામના રેશનકાર્ડધારકોએ કુપન ન મળવાની સમસ્યા અંગે ગ્રામજનોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. અમે અનાજના સંચાલકના લાયસન્સ રદ્દ થવા મુદ્દે થયેલા વિવાદ અંગે રજૂઆત કરી હતી. સરપંચ અને ગ્રામજનો સાથે આયુષ્માન કાર્ડના કેમ્પ અંગેની બેઠક પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ગામથી આશરે 200 મીટર દૂર ગાડી રોકીને 8થી 10 લોકોના ટોળાએ અચાનક ઘેરાવ કર્યો હતો. ગાડીના દરવાજા ખોલીને અંદર બેઠેલા લોકોને બહાર ખેંચી મારામારી કરી હતી.
મારામારીની ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ડભોઇ પોલીસ તાત્કાલિક ભીલાપુર ગામે પહોંચી હતી. પોલીસે ઘટના અંગે સ્થળ તપાસ હાથ ધરી બંને પક્ષોની માહિતી મેળવવાની શરૂઆત કરી છે.


