ગાંધીનગર, 25 ઓગસ્ટ, 2026 : ₹3.44 crore to be spent on the beautification of GIFT City’s iconic road. પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટસિટીથી ભાઈજીપુરા સુધી રૂપિયા 114 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે આ રોડના બ્યુટિફિકેશન પાછળ 3.44 કરોડના ખર્ચને મ્યુનિ.કોર્પોરેશને મંજુરીની મહોર મારી દીધી છે. પાટનગરને આધુનિક અને ગ્લોબલ લુક આપવાના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહેવડાવી દેવામાં આવતા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત પહેલા જ જીએમસીના સત્તાધિશોએ કરોડોના પ્રોજેક્ટ્સને લીલીંઝડી આપી દેવાનું શરૂ કર્યું છે. ગાંધીનગરના ભાઇજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના સૌ પ્રથમ આઇકોનિક રોડ પર ફૂટપાથ, સાયકલ ટ્રેક, પાર્કિંગ, ફૂડ ઝોન, સાઈનેજ અને સ્ટ્રીટ ફર્નિચર જેવી સુવિધાઓ વિકસાવવાનું કામ ખાનગી એજન્સીને સોંપાયું હતું. આ પ્રોજેક્ટની શરતો મુજબ 10 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થયેલું આ કામ 9 જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. જોકે નિર્ધારિત ડેડલાઇન વીતી ગઈ હોવા છતાં આ પ્રોજેક્ટ હજુ સુધી અધૂરો જ રહ્યો છે. એમાંય સમગ્ર માર્ગ પર કરાયેલા પ્લાન્ટેશન અને તેની જાળવણીના નામે પણ લાખો રૂપિયાની બરબાદી થઈ છે. કહેવાય છે કે, અહીં બે-બે વખત પ્લાન્ટેશનની ફેન્સિંગ જાળીઓ બદલવાની નોબત આવી હતી.
એજન્સીની અણઆવડત અને બેદરકારી સામે પગલાં લેવાને બદલે મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરની ભલામણને લીલી ઝંડી આપી દીધી છે. આ એજન્સીના ટેન્ડરમાં રૂ. 3,44,05,674 (18% જીએસટી અલગથી) નો વધારો મંજૂર કરીને કામની મુદત 30 સપ્ટેમ્બર 2026 સુધી એટલે કે વધુ 5 મહિના અને 20 દિવસ માટે પણ લંબાવી આપતાં પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ થઈ રહ્યાની લોકચર્ચા જાગી છે.


