પાલનપુર, 25 ઓગસ્ટ, 2026 : Motorists troubled by the menace of stray cattle on public roads. શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. હાલ વરસાદી સીઝનમાં રખડતા ઢોર જાહેર રોડ પર અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા ઢોરો દ્વારા લોકોને અડફેટે લેવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
પાલનપુર શહેરમાં જાહેર રોડ પર દરેક જગ્યાએ રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર જાહેર રસ્તાઓ પર બેસી રહેતા હોવાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે જાનહાનીના બનાવો બન્યા છે. તેમ છતાં મ્યુનિના તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. જો કે આ અંગે મ્યુનિના સત્તાધિશોને પૂછતા એવું કહેવામાં આવ્યું હતું કે, એક એજન્સીને ઢોર પકડવાની કામગીરી સોંપી છે. અને એકાદ-બે દિવસમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરશે.
નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે રખડતા ઢોરોને પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ કામગીરી થતી નથી. આ સ્થિતિ પાલનપુર શહેર માટે રોજિંદી બની ગઈ છે. વિપક્ષ દ્વારા પણ વહેલી તકે પાલિકા દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી છે.


