
મણિપુરમાં ભૂકંપના બે આંચકા નોંધાયા, એકની તીવ્રતા 5.7ની નોંધાઈ
નવી દિલ્હીઃ મણિપુરમાં આજે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા 5.7 હતી. ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. માહિતી અનુસાર, સવારે 11.06 વાગ્યે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિલોંગ સ્થિત પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમીની ઊંડાઈએ હતું.
તેમણે કહ્યું કે આસામ, મેઘાલય અને પ્રદેશના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.20 વાગ્યે મણિપુરમાં 4.1 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર રાજ્યના કામજોંગ જિલ્લામાં 66 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ મણિપુરમાં ઘણી ઇમારતોમાં તિરાડો જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં થૌબાલ જિલ્લાના વાંગજિંગ લામડિંગ ખાતે એક શાળાની ઇમારતમાં તિરાડો જોવા મળી હતી, જ્યાં વંશીય અથડામણોથી પ્રભાવિત લોકો માટે રાહત શિબિર ચલાવવામાં આવી રહી હતી. આ પ્રદેશના અન્ય રાજ્યોમાં હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી