Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં સીટીએમ પાસે 9.8 કિલો ગાંજા સાથે બે શખસો પકડાયા

અમદાવાદમાં સીટીએમ પાસે 9.8 કિલો ગાંજા સાથે બે શખસો પકડાયા

ગાંધીનગર, 7 જુલાઈ, 2026 Two accused arrested with 9.8 kg of cannabis. શહેરના સીટીએમમાં નારોલ-નરોડા રોડ પર પસાર થતી એક રિક્ષામાંથી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે 9.8 કિલો ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીમાંથી એક મહારાષ્ટ્ર ગાંજો આપવા આવેલો સપ્લાયર હતો. પોલીસે ડ્રગ્સ, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રામોલનો રહેવાસી મોહમ્મદ સાજીદ પઠાણ રિક્ષા લઈને સીટીએમ ચુનીલાલ પાર્ક સોસાયટી પાસે સર્વિસ રોડ પર ગાંજાની ડિલિવરી લેવા ઉભો છે. મહારાષ્ટ્રથી ઈસરાયલ ખાન નામનો શખ્સ તેને ડ્રગ્સની ડિલિવરી આપવા આવવાનો છે. જે બાદ એક ટ્રેપ ગોઠવી હતી. બાતમી મુજબની સીએનજી રિક્ષા ઉભેલી જોવા મળી હતી. થોડીવારમાં એક્સપ્રેસ જંકશન તરફથી એક વ્યક્તિ પોતાના ખભા પર 2 બેગ લઈને ચાલતો આવ્યો હતો અને રિક્ષા પાસે પહોંચ્યો હતો. રિક્ષાચાલક સાજીદ નીચે ઉતર્યો અને ઇસરાયલ ખાન પાસેથી એક બેગ લીધી હતી. ત્યારબાદ બંને રિક્ષામાં બેસીને કોઈ વાતચીત કરી રહ્યા હતા, તે વખતે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે રિક્ષાની પાછળની સીટમાં બેઠેલા ઇસરાયલ ખાનના બંને બેગની તપાસ કરતા તેમાંથી 9.800 કિલોગ્રામ ગાંજો મળ્યો હતો. આ ઉપરાંત, પોલીસે 2 મોબાઈલ ફોન, ઓટો રિક્ષા સહિત કુલ 5,60,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી હકિકત જાણવા મળી છે કે,  ઝડપાયેલો આરોપી મૂળ મહારાષ્ટ્રના અકોલાનો 33 વર્ષીય ઇસરાયલખાન અકોલામાં રહેતા મોહસીન બાબા નામના શખસ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. અને ગાંજાનો જથ્થો અમદાવાદના રામોલમાં રહેતા 42 વર્ષીય મોહમ્મદ સાજીદ કમરૂદ્દીન પઠાણને આપવા માટે આવ્યો હતો. સાજીદે આ ગાંજો છૂટકમાં વેચવા માટે મંગાવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જ સાજીદ અને ઇસરાયલખાનની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ગાંજો મોકલનારા મુખ્ય સપ્લાયર મોહસીન બાબાને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular