અમદાવાદ, 16 જુન, 2026 : 5 riders doing stunts on bikes at night on Riverfront Road શહેરના સાબરમતી રિવરફ્રન્ટના રોડ પર મોડી રાત્રે નબીરાઓ પુરપાટ ઝડપે વાહનો દોડીવીને સ્ટંટ કરતા હોય છે. સોશિયલ મિડિયામાં રિલ મુકવાના ક્રેઝને લીધે નબીરાઓ જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે. તાજેતરમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થયો છે. જેમાં પાંચ યુવાનોએ બાઈક પર સ્ટંટ કરીને રિવરફ્રન્ટનો જાહેર રસ્તો બાનમાં લીધો હતો. એક બાઈક ચાલક તો સ્ટંટ દરમિયાન બાઈકની સીટ પર આડો પડીને બાઈક ચલાવતો હતો. વીડિયો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના રિવરફ્રન્ટ પર મોડી રાત્રે ચાર અલગ અલગ એક્ટિવા અને બાઇક પર ચાર નબીરાઓએ સ્ટંટ કર્યા હતા. યુવકોએ વાહનો આડાઅવળા ચલાવી પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. એટલું જ નહીં એક બાઈક ચાલક તો સ્ટંટ કરતા સમયે બાઈકની સીટ પર આડો પડીને બાઈક ચલાવતો હતો. આ સ્ટંટ કરનારા સાથી મિત્રોનો એક એક્ટિવા ચાલક વીડિયો પણ ઉતારી રહ્યો હતો. સ્ટંટના તમામ વીડિયો દિવ્યેશ છાંસઠિયા નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પર યુવકે અપલોડ કર્યા છે. સ્ટંટના એક બે નહીં, પરંતુ ચારથી પાંચ અલગ અલગ વીડિયો બનાવી આઇડીમાં અપલોડ કરવામાં આવ્યા છે. આ યુવકોના વાહનોની નંબર પ્લેટ સાથે પણ ચેડા કરવામાં આવ્યા હતા જેના કારણે વાહનોના નંબર પણ ઓળખાઈ શકે તેમ નથી.રાતના સમયે યુવકોએ આ પ્રમાણે સ્ટંટ કરીને સમગ્ર રિવરફ્રન્ટનો રસ્તો બાનમાં લીધો હતો.
બાઈકચાલક નબીરાઓએ સોશિયલ મીડિયા પર વધારે વ્યુ મેળવવા આ પ્રમાણે વીડિયો બનાવ્યા હતા, પરંતુ તેનાથી રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમ રહેલું છે. આમ તો રિવરફ્રન્ટ પર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલતું હોય છે, પરંતુ આ વીડિયો વાઇરલ થયા બાદ રિવરફ્રન્ટ પર પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ યુ.બી.ધાકડાએ જણાવ્યું કે વાઇરલ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. યુવકોની ઓળખ થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


