Homeગુજરાતીગુજરાતઅમદાવાદ એરપોર્ટ પર ફરજમાં બેદરકારીના મુદ્દે કસ્ટમના 4 અધિકારી સસ્પેન્ડ

અમદાવાદ એરપોર્ટ પર ફરજમાં બેદરકારીના મુદ્દે કસ્ટમના 4 અધિકારી સસ્પેન્ડ

અમદાવાદ, 9 સપ્ટેમ્બર, 2026 :  4 customs officials suspended for negligence in duty  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના બે સુપરીન્ટેન્ડન્ટ અને બે ઈસ્પેક્ટરને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવાતા કસ્ટમ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.  વિદેશથી આવતા પેસેન્જરોને દાણચોરી કરવામાં સીધી મદદ કરવાના ચોંકાવનારા આરોપસર કસ્ટમ વિભાગે લાલ આંખ કરીને પોતાના જ 4 અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર સામે એક સાથે એક્શન લેવાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

કસ્ટમ વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના સરદાર પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર પેસેન્જર અને કસ્ટમ વિભાગના અધિકારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થતાં હોય છે. તેના કારણે આક્ષેપો પણ થતાં હોય છે. આ પરિસ્થિતિને ખાળવા માટે જ કસ્ટમ વિભાગ તરફથી એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા હતા. પરંતુ જે અધિકારીઓ સામે પ્રવાસીનો સામાન લઈ લેવાનો આક્ષેપ થયો છે તે અધિકારીના બોડી વોર્ન કેમેરા બંધ હતા. જેથી આ અંગે કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં બે સુપ્રિટેન્ડેન્ટ વિનય અરોરા તથા કુલદીપ પાલીવાલ અને બે ઇન્સપેક્ટર ભરતભાઈ મીણા તેમજ કૌશલકુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, દુબઈથી અમદાવાદ વચ્ચેની ફ્લાઈટમાં શુક્રવારે સવારે આવેલા પ્રવાસીઓ પૈકીના બે પ્રવાસીને રોકીને પૂછતાછ કરવામાં આવી હતી. આ પ્રવાસી પૈકી સુરતના પ્રવાસી દ્વારા કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા સામાન લઈ લેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કસ્ટમના ઉચ્ચ અધિકારીને ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના પગલે ઉચ્ચ અધિકારી એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જો કે પેસેન્જર ત્યાંથી રવાના થઈ ગયા હતા અને તેમનો ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરીને સુરતના કોસંબા ખાતે પહોંચી જઈને પ્રવાસીનું પ્રાથમિક સ્ટેટમેન્ટ લીધું હતું. આ નિવેદનના પગલે કસ્ટમના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇસ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે ઝીણવટભરી ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે કસ્ટમના સસ્પેન્ડેડ અધિકારીઓએ પ્રવાસીના આક્ષેપો નકારી કાઢ્યા છે.  (File photo)

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular