અમદાવાદ, 9 સપ્ટેમ્બર, 2026 : Mixed response to rickshaw pullers’ strike શહેરમાં ઓલા-ઉબેર-રેપિડો સહિતની ઓનલાઈન એપ્લિકેશનને લીધે રિક્ષાચાલકોની રોજગારી પર અસર થતાં તેના વિરોધમાં રિક્ષા અને ટેક્સીચાલકોના યુનિયનો દ્વારા ચાર દિવસની હડતાળના એલાનને પગલે શહેરના રિક્ષાચાલકો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે. અને મંગળવારે બીજા દિવસે રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કાળુપુર રેલવે સ્ટેશન સહિત કેટલાક વિસ્તારોમાં રોડ પર રિક્ષાઓ ફરતી જોવા મળી હતી. બીજીબાજુ રિક્ષા ચાલકોની હડતાલના પગલે AMTS દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને અલગ અલગ સ્થળોએ જવા માટે હાલાકી ન પડે તેના માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશને AMTSની 10 બસ પ્રવાસીઓ માટે મુકવામાં આવી હતી. જે બસમાં બેસીને મુસાફરો પોતાની નિર્ધારિત જગ્યા પર રવાના થયા હતા.
અમદાવાદ શહેરમાં ઓલા-ઉબેર-રેપિડો સહિતની ઓનલાઈન એપ્લિકેશનને લીધે રિક્ષાચાલકોના રોજગાર પર વિપરિંત અસર પડી છે. આથી તેના વિરોધમાં ટેક્સી અને રિક્ષાચાલક યુનિયનોએ ચાર દિવસ હડતાળનું એલાન આપ્યું હતું. અને 7મીને સોમવારથી રિક્ષા અને ટેક્સીચાલકોએ હડતાળ પાડી છે. હડતાળના બીજા દિવસે મંગળવારે હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મોટા ભાગના રિક્ષા ચાલકો હડતાલમાં જોડાયા નથી અને રિક્ષાઓ ચાલુ રાખી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને બેસાડીને લઈને જતી અનેક રિક્ષાઓ જોવા મળી છે.
શહેરમાં રિક્ષાચાલકોની હડતાળને પગલે પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બસ સ્ટેશન અને ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં વધારાની બસો, કન્ટ્રોલર તથા ફ્લાઈંગ ટીમોની તૈનાતી કરીને પ્રવાસીઓને તેમના સ્થળ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. રિક્ષા અને ટેક્સી યુનિયનની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ખાતે રાબેતા મુજબ રિક્ષા ચાલકો પેસેન્જર બેસાડી રહ્યા છે. સાબરમતી રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકોએ મુસાફરને લઈને આવતા રેપિડો ચાલકને ઘેરીને ઉગ્ર બોલાચાલી કરી હતી, જેથી પોલીસે આવીને રિક્ષા ચાલકોને ભગાવ્યા હતા.


