રાજકોટ, 9 સપ્ટેમ્બર, 2026 : Onion, garlic, peanuts arrive in abundance in Gondal yard સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીની રજાઓ બાદ ડૂંગળી, લસણ અને મગફળી સહિત વિવિધ જણસોની સારીએવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ યાર્ડમાં પોતાનો માલ વેચાણ માટે લાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. વેપારીઓ અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીની રજાઓ પૂર્ણ થતાં કામકાજ શરૂ થતાં જ વિવિધ જણસોની આવક થઈ રહી છે. મંગળવારે કામકાજ દરમિયાન ડુંગળીની 15 હજાર કટ્ટાની મોટી આવક નોંધાઈ છે. ખેડૂતોને ડુંગળીના 600 થી 970 રૂપિયા સુધીના સારા ભાવ મળ્યા છે. તેમજ લસણની બજારમાં સારી માંગ રહેતા 12 હજાર કટ્ટાની આવક થઈ છે. લસણના ગુણવત્તા પ્રમાણે ભાવ 1,200 થી 2,000 રૂપિયા સુધીના ઊંચા સ્તરે ચાલી રહ્યા છે. સીઝનની નવી મગફળીની આવક પણ શરૂ થઈ ગઈ છે. 1,000 ગુણીની આવક સાથે તેના ભાવ 1,200 થી 1,600 રૂપિયા સુધી બોલાયા છે. નવા સોયાબીનની પણ શરૂઆત થઈ છે, જેમાં 11 કટ્ટાની આવક સામે 1,151 રૂપિયા ભાવે સોદા થયા છે.
ગોંડલ માર્કેટયાર્ડની પારદર્શક વ્યવસ્થા, સમયસર ચૂકવણી અને ખેડૂતોને મળતા યોગ્ય ભાવને કારણે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ દૂર-દૂરના વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની ખેતપેદાશ વેચવા આવે છે. ગોંડલ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ રાજકોટ, પોરબંદર, અમરેલી અને જામનગર સહિત સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડને પસંદ કરી રહ્યા છે.


