વડોદરા, 11 જુન, 2026 : 8 feet long crocodile rescued શહેર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મગરો અવાર-નવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. ત્યારે શહેર નજીક આવેલા બિલ ગામમાં રહેણાંક વિસ્તારમાં આશરે 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના તળાવ નજીકના વિસ્તારમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં મગરને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
વડોદરા નજીક આવેલા બિલ ગામના તળાવ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજ અને કિશોરભાઈ દરજી તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવતાં વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગે સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આશરે 8 ફૂટ લાંબા મગરને સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનદીમાં સૌથી વધુ મગરોનો વસવાટ છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે 400થી વધુ મગરો છે. વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરોનો વસવાટ છે.


