Homeગુજરાતીગુજરાતગુજરાતમાં RTE હેઠળ વર્ષ 2025-26માં 95 હજાર બાળકોને પ્રવેશ ફાળવાયો,

ગુજરાતમાં RTE હેઠળ વર્ષ 2025-26માં 95 હજાર બાળકોને પ્રવેશ ફાળવાયો,

  • ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશમાં ઐતિહાસિક વધારો,
  • 12 વર્ષમાં સરકારે શાળાઓને કુલ રૂ. 3723 કરોડની ગ્રાન્ટ આપી
  • વાલીઓની આવક મર્યાદામાં વધારો કર્યા બાદ RTE પ્રવેશમાં ધસારો રહ્યો

ગાંધીનગરઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ શકતું નથી. આવા પરિવારના બાળકો માટે RTE (Right To Education)નો કાયદો આશા-શિક્ષણનું કિરણ બની રહ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં RTE પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરતો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના દરેક બાળકને શિક્ષિત બનાવવાનો લક્ષ્યાંક RTE કાયદાના અમલીકરણથી સિદ્ધ થઈ રહ્યો છે. શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર અને રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં RTEના કાયદા હેઠળ પ્રવેશ મેળવવા માટેની આવકમર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી આ વર્ષે અંદાજિત 4.000થી વધુ બાળકો આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં RTE હેઠળ વિનામૂલ્યે શિક્ષણનો લાભ  મેળવી શકશે.  અત્યાર સુધી આ કાયદા હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા ગ્રામીણ કક્ષાએ રૂ. 1.20 લાખ અને શહેર વિસ્તારમાં રૂ. 1.50  લાખ રાખવામાં આવી હતી.

રાજ્ય સરકારે છેલ્લાં 12 વર્ષમાં RTE પ્રવેશ અંતર્ગત છેવાડાના બાળકો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણને પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ગુજરાત એ પહેલું રાજ્ય છે જ્યાં વિદ્યાર્થીઓને ગણવેશ,  સ્કૂલબેગ, પાઠ્યપુસ્તક, ટ્રાન્સપોર્ટ અને અભ્યાસને લગતી આનુષાંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ રૂ. 3000ની સહાય DBT મારફતે ચૂકવવામાં આવે છે. RTE કાયદા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 1,057  કરોડની સહાય આપવામાં આવી છે.

RTE પ્રવેશ માત્ર વિનામૂલ્યે શિક્ષણની વ્યવસ્થા નથી, તે ગુજરાતના દરેક બાળકને યોગ્ય શિક્ષણ આપવાનો મહત્વનો સીમાચિન્હ કાયદો છે. રાજ્યમાં વર્ષ 2013થી આ કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે જે હેઠળ રાજ્ય સરકારે વિવિધ શાળાઓને કુલ રૂ. 3,723 કરોડની ગ્રાન્ટની ચુકવણી કરી છે જેમાં ફી રીએમ્બર્સ પેટે રૂ. 2,665 કરોડની તથા વિદ્યાર્થી સહાય પેટે રૂ. 1,057 કરોડની ચૂકવણી કરી છે.

વર્ષ 2013માં જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ત્યારે માત્ર 432 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે છેલ્લા 12 વર્ષમાં આજે તે આંકડો વર્ષ 2024માં વધીને 95 હજારથી પણ વધી ગયો છે. શૈક્ષણિક વર્ષ 2025-26  માટે RTE કાયદા હેઠળ અત્યાર સુધીમાં 95,494 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

રાજ્યમાં RTE Act-2009 હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ-1માં ખાનગી બિનઅનુદાનિત શાળાઓમાં 25 ટકા બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2023-24થી અમલમાં છે. RTE પ્રવેશ રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સામાજિક સમાનતા તરફ એક મજબૂત પગથીયું સાબિત થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેટલાક વાલીઓ દ્વારા પોતાની પસંદ કરેલી શાળાઓ જ પસંદ થવાનો આગ્રહ, 6 કિમી ત્રિજ્યાની મર્યાદા હોવા છતાં દૂરની શાળાની પસંદગી, ભાષા માધ્યમને લઈ ગુજરાતી માધ્યમમાં આગ્રહ, અન્ય બાળકની શાળામાં જ બીજા બાળકને અભ્યાસ કરાવવો વગેરે જેવી નજીવા કારણોસર અનેક બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular