પટના : બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત આવતા મહિને એટલે કે ઑક્ટોબરમાં થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઑક્ટોબરના બીજા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે. નવેમ્બર મહિનામાં બે કે ત્રણ તબક્કામાં મતદાન યોજાશે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 થી 20 નવેમ્બર વચ્ચે મતગણતરી શક્ય છે. હાલમાં એસઆઈઆર (Special Summary Revision) પછી મતદાર યાદીનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ મહિનાના અંત સુધીમાં આખરી યાદી પ્રકાશિત થવાની છે. તે પછી ચૂંટણીની જાહેરાત નિશ્ચિત છે.
ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા 22 નવેમ્બરની નક્કી સમયમર્યાદા પહેલાં પૂરી કરી દેવામાં આવશે. દુર્ગા પૂજા અને દશેરા બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે, જ્યારે મતદાનની તારીખો છઠ્ઠ પૂજા પછી રાખવામાં આવશે. ચૂંટણીના સત્તાવાર એલાન પહેલાં જ રાજકીય પક્ષોએ તૈયારી તેજ કરી દીધી છે. એક તરફ એનડીએની બેઠકો અને પરિસંવાદો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ “વોટર અધિકાર યાત્રા” શરૂ કરી લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાનએ બિહાર ભાજપના નેતાઓ સાથે આગળની વ્યૂહરચના અંગે બેઠક કરી હતી.
આ વખતે બિહારમાં મતદારોની સંખ્યા અગાઉ કરતા ઓછી રહેશે. પહેલાં બિહારમાં અંદાજે 8 કરોડ મતદારો હતા, પરંતુ આ વખતે એસઆઈઆર બાદ લાખો નામ કાઢી નાખવામાં આવ્યા છે. આ મુદ્દે વિપક્ષે ચૂંટણી આયોગ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, ચૂંટણી આયોગનું કહેવું છે કે ડુપ્લિકેટ નામો તથા મૃત્યુ પામેલા લોકોના નામ જ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

