- ઓવરબ્રિજ બનાવાશે તો બે લાખ લોકોને મુશ્કેલી પડશે
- ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર જશે
- સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મુશ્કેલી પડશે
રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેનો શાપર-વેરાવળના ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો છે. આજે 500થી વધુ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોનું માનવુ છે કે, ઓવરબ્રિજ બનશે તો 2 લાખ લોકોને મુશ્કેલી પડશે. ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર થઈ જતા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ મુશ્કેલી પડશે. ઉપરાંત ક્રાઈમ કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોનો જીવ જાય તેવી પણ સંભાવના છે. હાઈવે ઓથોરિટી દ્વારા જો અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો અનશન આંદોલન કરવાની અને દિલ્હીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ સામે ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફનો ઓવર બ્રિજ બનવા અંગે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આશરે 5000 નાના-મોટા કારખાનાઓ તથા આશરે 15000 જેટલા રેસિડેન્સ મકાનો આવેલા છે. શાપર-વેરાવળ મેઈન જંકશન ઉપર જવાનો એપ્રોચ હાઈવેથી આશરે 500 મીટર જેટલો દૂર આવેલો છે જે આ પુલ બને તો આ એપ્રોચ આશરે 2 કિ.મી. જેટલો દૂર જતો રહે તેમ છે. જેનાથી તમામ ઈન્ડસ્ટ્રીઝ અને રહીશોનો ખૂબ જ મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે તેમજ અહિયાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ફાયર સ્ટેશન બન્ને આવેલા હોવાથી, આગ-અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં સમયસર પહોંચી શકાય નહીં અને સમયસર સારવારના અભાવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે તેવી શકયતા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.
શાપર વેરાવળ ગામ એકતા સમિતિના પ્રમુખ અને વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ મળીને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટીની જે તાનાશાહી ચાલી રહી છે તેના વિરુદ્ધમાં અઠવાડિયા પછી અનશન આંદોલન કરવામાં આવશે. ત્યારબાદ પણ ગ્રામજનોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો બ્રિજનું કામ બંધ કરાવવા માટે છેક સુધી લડત અપાશે.
નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ ડિઝાઈન બતાવવા માગતી નથી અને સ્થળ ઉપર આવવા તૈયાર નથી. 2 લાખ લોકોને આ સમસ્યા અસર કરે છે. અહીં 4000 ફેક્ટરી અને 500 ટ્રાન્સપોર્ટ આવેલા છે. હાલ જે બ્રિજ છે તેના ઉપર ઓવરલેપિંગ કરીને ઉપર લઈ જવામાં આવે તો ગામનું જંકશન જે 250 મીટર છે જે આશરે 2 કિલોમીટર જઈ શકે તેમ છે. જેથી એક અઠવાડિયામાં નિરાકરણ આવે તેવી માંગણી કરવામાં આવી છે.


