તલાળા યાર્ડ દ્વારા કેસરી કેરી બાદ હવે દાડમ અને નાળિયેરની અમેરિકામાં નિકાસ
ગીર સોમનાથ, 2 ફેબ્રુઆરી 2026: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની કેસર કેરી સ્વાદ રસિયાઓ માટે જાણીતી છે. તલાળા યાર્ડ દ્વારા કેસર કેરીની સફળ નિકાસ કર્યા બાદ હવે દાડમ અને નાળિયેરની પણ અમેરિકામાં નિકાસ શરૂ કરવામાં આવી છે. આ પગલું માત્ર તાલાલા નહીં પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના કૃષિ વિકાસ અને નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈ પર લઈ જનારું સાબિત થઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા આધુનિક પેક હાઉસમાં દાડમ અને નાળિયેરની આધુનિક પદ્ધતિથી પ્રક્રિયા, ગ્રેડિંગ અને પેકિંગ કરવામાં આવ્યા બાદ મોટી માત્રામાં દાડમ અને લીલા નાળિયેર દરિયાઈ માર્ગે અમેરિકા મોકલવામાં આવ્યા છે. આ નિકાસ દેવકૃપા એન્ટરપ્રાઈઝ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમણે સ્થાનિક માર્કેટિંગ યાર્ડની સુવિધાનો પૂરતો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય બજારમાં તાલાલાની ઓળખ વધુ મજબૂત કરી છે. નિકાસ માટે ઉચ્ચ ગુણવત્તાના દાડમ સુરેન્દ્રનગર, હળવદ અને કચ્છ વિસ્તારોમાંથી મંગાવવામાં આવ્યા હતા, જ્યારે શ્રેષ્ઠ ગુણવત્તાના નાળિયેર તમિલનાડુના પોલાચી વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં આ તમામ ઉત્પાદનોનું વૈજ્ઞાનિક રીતે ગ્રેડિંગ કરીને આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ પેકિંગ કરવામાં આવે છે. પેક હાઉસના સંચાલક દીપકભાઈ ચાંદેગરાએ જણાવ્યું કે, નિકાસમાં 3.5 કિલોના 6,200 બોક્સ દાડમ, એટલે કે કુલ 21 હજાર 700 કિલોગ્રામથી વધુ દાડમની નિકાસ કરવામાં આવી છે. તે ઉપરાંત 22 કિલોની 1,000 બેગ નાળિયેરનો પણ સમાવેશ થાય છે. આટલી મોટી માત્રામાં દાડમ અને નાળિયેરની નિકાસ તાલાલા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ફળોની નિકાસ માટે રેડિયેશન પ્રોસેસિંગ ફરજિયાત છે. હાલ ગુજરાતમાં બાવળા ખાતે જ રેડિયેશન પ્લાન્ટ ઉપલબ્ધ હોવાથી ફળોના નિકાસને વેગ મળ્યો છે. જ્યારે ગુજરાતમાં રેડિએશન પ્લાન્ટ નહોતો ત્યારે ફળોને પ્રથમ નવી મુંબઈ લઈ જઈ રેડિયેશન પ્રક્રિયા કરવામાં આવતી હતી. ત્યારબાદ જવાહરલાલ નહેરુ પોર્ટ પરથી દરિયાઈ માર્ગે અમેરિકા મોકલવામાં આવતા હતા. હવે બાવળા ખાતે રેડિયેશન પ્લાન્ટથી ફળોના નિકાસકારોને સારોએવો ફાયદો થયો છે.


