1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત
ધોળકા-બગોદરા હાઈવે પર  ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત

ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત

0
Social Share

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આજે વહેલી ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આઈસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાતા ટ્રકમાં પ્રવાસ કરી રહેલા પતિ-પત્ની અને તેમના  પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ધોળકા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રક આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સમયે આઈસર ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલા જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો હતો. જ્યારે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના બનાવમાં ટ્રકમાં સવાર પતિ, પત્ની અને તેમના પુત્રના ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ત્રણેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત આઈસર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code