ગાંધીનગર, 9 માર્ચ 2026: શહેરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘ-4 ગાર્ડન પાસે પાર્ક કરેલી એક્ટિવામાંથી એક મહિના અગાઉ થયેલી રૂ. 1.40 લાખની ચોરી કરનારો અમદાવાદના રીઢા ચોરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈને અનેક ગુનોનો ભેદ ઉકેલી દીધો છે.
.પાટનગર ગાંધીનગરમાં સ્કૂટરની ડેકી તોડીને ચોરીના બનાવો વધતા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સુચના આપવામાં આવી હતી. ત્યારે એલસીબી પીઆઇ ડી.બી.વાળાની અલગ અલગ ટીમો ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીએ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે વોચ ગોઠવી શંકાસ્પદ રીતે ફરતા ઇસમો પર બાજ નજર રાખવામાં આવી હતી. જેના પગલે એક ઇસમ એક્ટિવા સાથે શંકાસ્પદ હાલતમાં એક લાખની રોકડ સાથે ઝડપાઈ ગયો હતો. જેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ મહમદનોફિલ નુરમહમદ મુંદવાવાલા (ઉ.વ. 30, રહે. ઈ/2, પાંચમો માળ, ઝારા એપાર્ટમેન્ટ, મીરચી પોળ, જમાલપુર) હોવાનું જણાવ્યું હતું.
એલસીબીના સ્ટાફે આરોપીની પૂછતાછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આશરે એક માસ અગાઉ ઘ-4 ગાર્ડનથી મહાત્મા મંદિર તરફ જતા રોડ પર પાર્કિંગમાં પડેલી એક એક્ટિવાની ડેકીમાંથી આ રુપિયાની ચોરી કરી હતી. જે અત્રેના વિસ્તારમાં એક્ટિવા લઈને રેકી કરતો અને તક મળતા જ વાહનની ડેકી તોડી ચોરીને અંજામ આપતો હતો. બાદમાં પોલીસે ગુનાહિત ઈતિહાસ તપાસતા તેના વિરુદ્ધ અમદાવાદ, વડોદરા મળીને અલગ અલગ ચાર પોલીસ મથકોમાં ચોરીના ચાર ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે એલસીબીએ સેકટર 7 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી રીઢા ચોરની વધુ પુછતાછ હાથ ધરી છે.


