સૌરાષ્ટ્રમાં ઉનાળું પાકનાં વાવેતરમાં 38.700 હેકટર સાથે ભાવનગર જિલ્લો મોખરે
ભાવનગર, 16 માર્ચ 2026: Bhavnagar district leads in summer crop cultivation રવિ સીઝન પૂર્ણ થતાં સૌરાષ્ટ્રભરમાં ઉનાળા પાકનું વેવાતર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થયેલા ઉનાળું વાવેતરના આંકડા જોઈએ તો ભાવનગર જિલ્લો મોખરે છે. ભાવનગર જિલ્લામાં 38.700 હેકટરમાં ઉનાળું પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જોકે અન્ય જિલ્લામાં ઉનાળું પાકનું વાવેતર ચાલી રહ્યું છે. આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે.
ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર 5,600 હેક્ટર થયું છે તે પૈકી 2,800 હેક્ટર વાવેતર એકલું ભાવનગર જિલ્લામાં થયું છે એટલે કે રાજ્યના કુલ વાવેતરના 50 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 38,700 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળી સાથે મગફળીનું વાવેતર પણ મુખ્ય છે. જ્યારે તલ અને બાજરીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. આમ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ઉનાળુ વાવેતરમાં 38,700 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.
ઉનાળુ મગફળીનું સમગ્ર રાજ્યમાં વાવેતર 23,400 હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 7,200 હેક્ટર વાવેતર ઉનાળુ મગફળીનું થતા રાજ્યના કુલ વાવેતરના 30.77 ટકા વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. આમ, ભાવનગર જિલ્લો આ વખતે ડુંગળીની સાથે ઉનાળુ મગફળીમાં પણ રાજ્યમાં વાવેતરમાં નંબર વન રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર ઉનાળું વાવેતરના આંકડા જોઈએ તો ભાવનગર 38,700 હેક્ટર, જૂનાગઢ 20,500 હેક્ટર, અમરેલી 17,400 હેક્ટર, રાજકોટ 15,200 હેક્ટર, સુરેન્દ્રનગર 14,600 હેક્ટર, ગીર સોમનાથ 7,300 હેક્ટર, દેવભૂમિ દ્વારકા 4,400 હેક્ટર, જામનગર 4,100 હેક્ટર, બોટાદ 3,500 હેક્ટર, મોરબી 3,400 હેક્ટર અને પોરબંદર 2,500 હેક્ટર વાવેતર થયું છે.


