1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં લિવ-ઈનમાં રહેતી મહિલાએ 2 વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારતા મોત
સુરતમાં લિવ-ઈનમાં રહેતી મહિલાએ 2 વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારતા મોત

સુરતમાં લિવ-ઈનમાં રહેતી મહિલાએ 2 વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારતા મોત

0
Social Share

સુરત, 19 માર્ચ 2026: Woman beats 2-year-old daughter to death  શહેરના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટી વિભાગ-1માં રહેતા સંદીપ નામના યુવક સાથે લીવ-ઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની બાળકીને વેલણ અને સાવરણીથી મુંઢમાર મારતા બ્રેન હેમરેજ થવાને કારણે બાળકીનું મોત નિપજ્યું છે. બે વર્ષની માસુમ બાળકી સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી હોવાથી બાળકીને સગી જનેતાએ વેલણ અને સાવરણી વડે એટલી હદે માર માર્યો કે માસૂમનું મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની વિગત એવી છે કેસ શહેરના વરાછા વિસ્તારમાં  વર્ષા સોસાયટી વિભાગ-1માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા દોઢ મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે. લફીબેનને સંતાનમાં ચાર દીકરીઓ છે. જેમાં ત્રીજા નંબરની 2 વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી. ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકી પર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીંકી દીધા હતા. મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા અને બાળકી ઢળી પડતા બે વર્ષની બાળકી યશવિતા બેભાન થઈ ગઈ હતી. આથી ગભરાયેલી માતા તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

આ અંગે  સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડો. સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે, બાળકીના શરીર પર માત્ર આજની જ નહીં, પરંતુ અગાઉ પણ તેને માર મારવામાં આવ્યો હોય તેવા નિશાનો મળી આવ્યા છે. તેને હાથ, લાકડી અને પટ્ટા જેવા સાધનોથી મારવામાં આવ્યો હોવાનું જણાય છે. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થવાથી તેનું મોત થયું છે. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકી બરાબર જમતી નહોતી અને તોફાન કરતી હતી, જેનાથી કંટાળીને માતા છેલ્લા એક અઠવાડિયાથી તેને પટ્ટા અને લાકડીથી ફટકારતી હતી. મૃતક બાળકીના પિતા મૂળ ગીર સોમનાથના કોડીનારના વતની છે અને ઓખા ખાતે માછીમારીનો વ્યવસાય કરે છે. જ્યારે માતા હાલ સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા સંદીપ સાથે લીવ-ઈનમાં રહે છે. વરાછા પોલીસે હાલ માતા અને તેની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code