ગાંધીનગર, 22 માર્ચ 2026: Local government elections likely to be announced in the first week of April ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતાં વહીવટદારો નિમવામાં આવ્યા છે. પણ મતદાર યાદી પ્રસિદ્ધ ન થઈ હોવાથી ચૂંટણીની જાહેરાત અટકી પડી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ મહત્વપૂર્ણ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેને કારણે રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જોકે, 30 માર્ચ સુધી ફાઈનલ મતદારયાદીની પ્રક્રિયા ચાલશે. ત્યાર બાદ મતદારયાદી જાહેર થશે. જેથી કહી શકાય કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા છે.
રાજ્યના ચૂંટણી પંચે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે રાજ્યની 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના મતવિસ્તારોનું સીમાંકન પૂર્ણ કર્યું છે. આ નવા સીમાંકનને આધારે વિધાનસભાની તાજી ફોટોવાળી મતદારયાદી પરથી પંચાયતવાર નવી યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણીને પારદર્શક બનાવવા માટે તમામ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO)ની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સાથે જ મતદાર નોંધણી અધિકારીઓ અને મામલતદારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ નમૂના-2 મુજબ ચોક્કસ અને અપડેટેડ યાદીઓ તૈયાર કરે. ઉમેદવારી પત્રોની છેલ્લી તારીખ સુધી પૂરવણી મતદારયાદી દ્વારા નામ ઉમેરવા, સુધારવા અથવા કાઢવાની પ્રક્રિયા ચાલુ રહેશે, જેના કારણે મતદારોને વધુ તક મળશે. આ સમગ્ર પ્રક્રિયા સાથે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ચહલપહલ તેજ બની છે.


