અમદાવાદ, 15 મે 2026: workers who went down to clean the tank died due to poisonous gas કલોલ નજીક સઈજ જીઆઈડીસી વિસ્તારમાં ગઈ રાત્રે એક કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોને ઝેરી ગેસને લીધે ગૂંગળામણ થતાં ત્રણેયના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, કલોલના સઈજ નજીક આવેલી જીઆઈડીસીમાં ‘મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ’નામની કંપનીમાં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે એક આરસીસીની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે, ત્યારે આ ટાંકીની સાફસફાઈની કામગીરી ગઈરાતે આશરે સાડા નવ વાગ્યાની આસપાસ હાથ ધરવામાં આવી હતી. શ્રમિકો દ્વારા ટાંકીમાંથી મોટર પંપ વડે પાણી કાઢ્યા બાદ તળિયે દોઢ ફૂટ જેટલો જમા થયેલો કચરો અને કાદવ દૂર કરવા માટે શ્રમિકો પ્લાસ્ટિકના કેરબા અને લોખંડની સીડીના સહારે એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. સૌ પ્રથમ અમિત પરીહાર અને અમરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતર્યા હતા અને ઉતરતાની સાથે જ ગૂંગળામણને કારણે બેભાન થઈ કાદવમાં ફસાયા હતા પોતાના મિત્રોને બચાવવા માટે અનિલ લોધી પણ અંદર ઉતર્યો, પરંતુ તે પણ ગૂંગળામણનો શિકાર બન્યો અને બેભાન થઈ ત્યાં ઢળી પડ્યો હતો. અંતે આ ત્રણેયને બચાવવાના પ્રયાસમાં શિવનાથ દુબેએ પણ ટાંકીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ટાંકીમાં રહેલા ઝેરી વાયુ અને ઓક્સિજનની અછતને કારણે તે પણ ત્યાં જ ફસાઈ ગયો હતો. આમ, સાથીદારોને બચાવવાની મથામણમાં શ્રમિકો એક પછી એક મોતને ભેટ્યા હતા.
આ કરૂણાંતિકામાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાનો પરપ્રાંતીય હતા અને પેટીયું રળવા ગુજરાત આવ્યા હતા, જ્યારે એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


